અમદાવાદથી આવેલા ટ્રાન્સજેન્ડરની રીક્ષા રોકીને ડભોઇના કેટલાક ટ્રાન્સજેન્ડરોએ હુમલો કરી અમદાવાદના બે ટ્રાન્સજેન્ડરના સોનાના દાગીના તેમજ રોકડ રકમ લૂંટી લીધી હતી.
અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ ઉષાભાવ ઠાકરે નગરમાં રહેતા રોનીકાદે, આરતીદે ટ્રાન્સજેન્ડરોએ ડભોઇ ઝારોલા વાડીમાં રહેતા વૈશાલીકુંવર જોયાકુંવર, ખુશીકુંવર જોયાકુંવર, દિવ્યાકુંવર તેમજ પલ્લવી ઉર્ફે પવનકુંવર સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું યજમાન વૃત્તી કરું છું. ગઈકાલે હું તેમજ માયાદે, શીતલદે નામના ટ્રાન્સજેન્ડરો અમદાવાદથી રીક્ષા ભાડે કરીને બરાનપુરા ખાતે રહેતા માતાજી અનિતાકુંવર મરણ પામી ગયા હોવાથી તેમની ત્રીજના જમણ માટે ડભોઇ રબારી વગામાં જતા હતા. તે વખતે ડભોઇ પાસે વેગા ગામની સીમમાં બંધ પાર્ટી પ્લોટ પાસે અન્ય એક રિક્ષાએ આવીને અમને રોક્યા હતા. આ રિક્ષામાંથી વૈશાલીકુંવર તેમજ અન્ય ટ્રાન્સજેન્ડરો લાકડાનો ડંડો લઈને નીચે ઉતરેલા અને અમદાવાદથી તમારા વિસ્તારમાં કેમ આવ્યા છો તેમ કહી ધમકી આપી હતી. જેથી મેં જણાવ્યુ હતું કે અનિતાકુંવર મરણ પામી ગયેલ હોવાથી ત્રીજનો જમણવાર છે ત્યાં જઈએ છીએ જો કે તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને મને લાકડાનો ડંડો માર્યો હતો.
જ્યારે માયાદે મને છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. ડભોઇના વૈશાલી સહિત અન્ય લોકોએ અમને માર મારી અમારી પાસેના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટી લીધી હતી. તેમજ હવે પછી અમદાવાદથી આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી ઉચ્ચારી હતી.