અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ તથા ફાયર વિભાગની બેદરકારીથી વિવિધ વિસ્તારમાં ચાલતા 34 પૈકી 6 ગેમઝોન ફાયર વિભાગની NOC કે એસ્ટેટ વિભાગ તરફથી આપવામાં આવતી બિલ્ડિંગ યુઝ (BU) પરમીશન વગર ચાલતા હતા. શહેરના આનંદનગર રોડ ઉપરાંત ચાંદલોડીયા તેમજ ઘુમા અને જોધપુર સહિતના વિસ્તારમાં ચાલતા આ ગેમ ઝોન સત્તાવાર મંજૂરી મેળવ્યા વગર ચાલતા હોવાનુ ભ્રષ્ટાચારથી ખદબદતા એસ્ટેટ અને ફાયર વિભાગની તપાસમાં જ બહાર આવવા પામ્યુ છે. વાડ જ ચીભડાં ગળે એવી હાલત મ્યુનિસિપલ કોર્પોરેશનના આ વિભાગોની થવા પામતા હવે આ ગેમઝોનને સીલ કરવાની કાર્યવાહી શરુ કરવા સાથે અનિયમિતતા વધુ હોય એવા ગેમઝોન બંધ કરવા અંગે મ્યુનિ.તંત્ર તરફથી સુચના આપવામાં આવી રહી છે.
રાજકોટ ખાતે ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ચાલતા ગેમઝોનની તપાસ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર તથા એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને કરવામાં આવી હતી.તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગોતામાં આવેલા ફનગ્રેટો ગેમઝોન પાસે બિલ્ડિંગયુઝ પરમીશન જ નથી.નિકોલ વિસ્તારમાં આવેલા ફન કેમ્પસ પાસે ફાયર વિભાગની એન.ઓ.સી.નથી.સાઉથ બોપલમાં આવેલા જોયબોકસ ગેમઝોન પાસે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ યુઝ પરમીશન નથી.
જોધપુરમા ચલાવાતા ગેમીંગ ઝોન પાસે પણ ફાયર વિભાગની એન.ઓ.સી.કે બિલ્ડિંગ યુઝ પરમીશન નથી.ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા જોય એન્ડ જોય ગેમઝોન પાસે પણ ફાયર એન.ઓ.સી.કે બિલ્ડિંગયુઝ પરમીશનનો અભાવ છે.બોપલમાં આવેલા આરોહી રોડ ઉપરના ફનઝોન પાસે ફાયર એન.ઓ.સી.કે બિલ્ડિંગ યુઝ પરમીશન નથી. શહેરના વિવિધ વિસ્તારમાં નોંધાયેલા એવા ગેમઝોન પૈકી ૨૮ ગેમઝોન ઈન્ડોર તથા ૬ આઉટડોર ગેમઝોન છે.શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા સિંધુભવન રોડ ઉપરાંત એસ.જી.હાઈવે સહિતના અન્ય વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જ એસ્ટેટ તેમજ ફાયર વિભાગની બેદરકારીથી હાલમા પણ અનેક ગેમઝોન ધમધમી રહયા છે.રાજકોટ ખાતે બનેલા બનાવ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ હવે પગ તળેની જમીન ખસી જતા હવે ગેમીંગ ઝોનમાં તપાસના નામે નાટક શરુ કરવામાં આવ્યુ છે.
આલ્ફાવન મોલમાં એકની મંજૂરી સામે ચાલતા ચાર ગેમ ઝોન
શહેરના વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફાવન મોલમાં એક ગેમઝોનની મંજુરી લઈ ચાર ગેમ ઝોન ચલાવવામા આવતા હોવાનુ બહાર આવવા પામ્યુ છે. એક પણ ગેમઝોન માટે ફાયર વિભાગની એન.ઓ.સી.કે પોલીસની મંજૂરી મેળવવામાં આવી નહિં હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ગેમઝોનની તપાસ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે આલ્ફાવન મોલની પણ તપાસ કરી હતી.તપાસ દરમિયાન એક ગેમઝોનની મંજૂરી લઈ વધુ ત્રણ ગેમઝોન વગર મંજૂરીએ શરુ કરી દીધા હોવાનુ બહાર આવવા પામ્યુ હતુ.આલ્ફાવનના ચાર ગેમ ઝોન માટે એક જ ફાયર એન.ઓ.સી.રજૂ કરીને તંત્રને પણ આડે પાટે ચઢાવવા પ્રયાસ કરાયો હતો.અધિકારીઓએ કડક ભાષામાં પુછપરછ કરતા આલ્ફાવનના સંચાલકો દ્વારા બાકીના ત્રણ ગેમ ઝોન માટે પોલીસ પરમીશન નહિં હોવાનુ સ્વીકાર્યુ હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.મંજૂરી વગર ગેમઝોન ચલાવવા મ્યુનિ. અધિકારીઓ સાથે વહિવટ કરાતો હોવાની પણ આશંકા વ્યકત કરાઈ રહી છે.
હાઈકોર્ટના આદેશ બાદ તમામ અધિકારીઓને રિવરફ્રન્ટ બોલાવી લેવાયા
રાજકોટ ખાતે ગેમીંગ ઝોનમાં બનેલા અગ્નિકાંડની ઘટનાને લઈ હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી સુનાવણી હાથ ધરી હતી.હાઈકોર્ટે તમામ મ્યુનિસિપલ કમિશનરોને તેમના શહેરમાં ચાલતા ગેમીંગ ઝોનની તપાસને લઈ કરેલા કડક આદેશ બાદ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ, ફાયર વિભાગ સહિત અન્ય વિભાગના અધિકારીઓને રિવરફ્રન્ટ હાઉસ ખાતે બોલાવી લાંબા સમય સુધી ગેમીંગ ઝોનને લઈ હવે પછી શું કાર્યવાહી કરવી એ બાબતમાં સુચના આપી હતી.
ફાયર એન.ઓ.સી.હોવા છતાં ગેમીંગ ઝોનમાં અનિયમિતતા જોવા મળી
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઉપરાંત એસ્ટેટ સહિતના અન્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ગેમીંગ ઝોનની તપાસ કરવામાં આવી હતી.તપાસ સમયે કેટલાક ગેમીંગ ઝોનમાં તો ફાયર એન.ઓ.સી.હોવા છતાં અનિયમિતતા જોવા મળી હતી.
લો,હવે અમદાવાદના ગેમઝોનમાં દર મહિને મ્યુનિ.તંત્ર તપાસ કરશે
રાજકોટમાં બનેલા ગેમઝોનના અગ્નિકાંડ બાદ અમદાવાદમાં આવેલા તમામ ગેમઝોનમાં દર મહિનાની ૧થી ૫ તારીખ દરમિયાન ફાયર વિભાગને તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો છે. ઉપરાંત દર ત્રણ મહિને ફાયર વિભાગ અલગ અલગ વિસ્તારના ગેમીંગ ઝોનમાં મોકડ્રીલ કરશે. મ્યુનિ.ના એસ્ટેટ વિભાગને મંજુરી વગર કરવામાં આવેલા બાંધકામ તથા બિલ્ડિંગ યુઝ પરમીશનને લઈ દર મહિને તપાસ કરવા મ્યુનિ.કમિશનરે સુચના આપી છે.
અમદાવાદ ફાયરના નવ અધિકારીઓને બચાવનામુ રજૂ કરવા નોટિસ અપાઈ
બોગસ સ્પોન્સરશીપના આધારે અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવવાના આરોપસર ફાયર વિભાગના નવ અધિકારીઓ સામે ચાલતી વિજિલન્સ તપાસ બાદ આ તમામ અધિકારીઓને તેમનુ બચાવનામુ એક સપ્તાહમાં રજૂ કરવા નોટિસ અપાઈ છે.જે અધિકારીઓને નોટિસ અપાઈ છે તેમાં ડિવીઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજા, કૈઝાદ દસ્તૂર ઉપરાંત ઈનાયત શેખનો સમાવેશ થાય છે.ઉપરાંત સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા અનિરુધ્ધ ગઢવી, અભિજિત ગઢવી, મેહુલ ગઢવી, શુભમ ખડીયા તથા સુધીર ગઢવી તેમજ અભિજિત ગઢવીનો સમાવેશ થાય છે.અભિજિત ગઢવી હાલ રીજીનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે.તમામ તરફથી બચાવનામુ મળ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટ તરફથી અંતિમ હુકમ માટે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી માંગવામા આવશે.