સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણી ચોખ્ખુ છે કે કેમ તે ચકાસવા રોડ ઉપર વહેતુ પાણી એક વાર નહીં ત્રણ વાર ખોબો ભરીને પીવામાં આવે છે.શહેરના રીલીફ રોડ ઉપર કાલુપુર પોલીસ સ્ટેશન નજીક લાઈન વોશ આઉટના નામે હજારો લિટર પાણી વેડફવામાં આવ્યુ હતુ.
સામાન્ય માનવી પાણી વેડફે કે ગંદુ પાણી રોડ ઉપર નાંખે તો મ્યુનિસિપલ તંત્ર તેની પાસેથી દંડ વસૂલે છે.અહીં તો મ્યુનિ.તંત્રની બેદરકારીથી મોટી માત્રામાં પાણી વહી ગયુ હતુ.રીલીફ રોડથી કાલુપુર ટંકશાળ રોડ ઉપર ફરી વળેલા હજારો લિટર પાણીના વેડફાટ બદલ મ્યુનિ.તંત્ર કોની પાસેથી કેટલી રકમનો દંડ વસૂલશે એ એક પ્રશ્ર છે.આ ઘટનાના વાઈરલ થયેલા વિડિયો સંદર્ભમાં મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહયુ, વોશ આઉટની પ્રક્રીયાના ભાગરુપે પાણી વહી ગયુ હતુ.વોશ આઉટની પ્રક્રીયા સમયે પાણી ખોબામાં પીને ચકાસવાની મ્યુનિ.માં કોઈ સિસ્ટમ છે કે કે કેમ એ કહેવાનુ તેમણે ટાળી દીધુ હતુ.
ઉનાળાના આરંભ સાથે શહેરના વિવિધ વિસ્તારમાં પાણી અપુરતા પ્રેસરથી મળતુ હોવાની ફરિયાદ વ્યાપક બનવા પામી છે.બીજી તરફ શહેરના રીલીફ રોડ ઉપર ધનાસુથારની પોળ પાસે વોશઆઉટના નામે હજારો લિટર પાણી રોડ ઉપર વહેવડાવી દેવામા આવ્યુ હોવાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે.રીલીફ રોડ ઉપર સવારના સમયે વહેતા થયેલા પાણીને જોઈ પહેલી નજરે ત્યાંથી પસાર થતા લોકો અને વાહન ચાલકોએ એમ માન્યુ કે ગટર લાઈન તૂટી ગઈ હશે.પરંતુ હકીકત એ હતી કે મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવતુ હોવાની મળેલી વ્યાપક ફરિયાદ બાદ લાઈન વોશ આઉટ કરવામાં આવી રહી હતી.
કોટ વિસ્તાર અને ખાસ કરીને રીલીફરોડ ઉપર ધનાસુથારની પોળ,હાજા પટેલની પોળ, રતનપોળ સહિતની અન્ય પોળોમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી પ્રદૂષિત પાણી આવી રહયુ છે.સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ,અઠવાડીયામાં ત્રણથી ચાર વખત વોશઆઉટના નામે મોટી માત્રામાં રોડ ઉપર પાણી ઢોળી દેવામાં આવે છે.થોડા દિવસ સારુ પાણી આવ્યા બાદ ફરીથી પાણીમાં પોલ્યુશન આવવાનુ શરુ થઈ જાય છે.મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યકુમાર ભટ્ટને વાઈરલ થયેલા વિડિયો અંગે પુછતા તેમણે કહયુ, વોશઆઉટની પ્રક્રીયાના ભાગરુપે પાણી વહેવડાવામા આવ્યુ હતુ.
પાણી ચોખ્ખુ છે કે કેમ તે ચકાસવા વિડિયોમાં જે કર્મચારી રોડ ઉપર વહી જતા પાણીને ત્રણ વખત ખોબામાં ભરીને પીવે છે એ મ્યુનિ.તંત્રનો કર્મચારી છે કે કેમ? એ અંગે પુછતા તેમણે કહયુ, એ હું તપાસ કરીને કહુ છુ.મ્યુનિ.ના સૂત્રોના કહેવા મુજબ, અમદાવાદમાં વોશઆઉટની પ્રક્રીયા સમયે પાણી ખોબેથી લઈ ચકાસવાની કોઈ સિસ્ટમ જ નથી.વહી ગયેલુ પાણી મ્યુનિ.હસ્તકના ગાર્ડનમાં પણ આપી શકાયુ હોત.
વોશઆઉટ પ્રક્રીયા સમયે ઈજનેર-હેલ્થ વિભાગના અધિકારીઓની હાજરી હતી કે કેમ?
મ્યુનિસિપલ કમિશનરે આપેલા આદેશ મુજબ, શહેરમાં જયાં પણ પાણીમાં પોલ્યુશન આવવાની ફરિયાદ હોય ત્યાં ઈજનેર અને હેલ્થ વિભાગના અધિકારીઓએ હાજર રહી કામગીરી કરાવવાની હોય છે.રીલીફરોડ ઉપર પાણી ફરી વળ્યા આ ઘટના સવારના સમયની હતી. કમિશનરની સુચના મુજબ, દરેક ઝોનના ઉચ્ચ અધિકારીઓએ સવારના છથી આઠ તેમના ઝોનના વિવિધ વોર્ડમાં નિયમિત રાઉન્ડ લેવાનો હોય છે.પરંતુ આ ઘટના સમયે મ્યુનિ.ના ઈજનેર કે હેલ્થ વિભાગના અધિકારીઓ કોઈ નજરે પડયા નહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.