મુંબઈથી ટ્રકમાં માલ ભરી નીકળેલ બે ટ્રકના ચાલકો અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે એક ટ્રકના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી આગળ જતી ટ્રકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ઉત્તર પ્રદેશના દુધરાઈના વતની અને હાલ અમદાવાદના વટવા ખાતે રહેતા સરવણકુમાર રામલખન સૈની ગત તા.૫ એપ્રીલના રોજ મુંબઈથી ટ્રકમાં માલ ભરી અમદાવાદ આવવા નીકળ્યા હતા.
દરમ્યાન મહારાષ્ટ્ર બોર્ડર પસાર કરતા તેઓને ટ્રાન્સપોર્ટ કંપનીની અન્ય ટ્રક સાથે રામબચ્ચન પ્રતિરામ યાદવ મળ્યા હતા. તેઓ પણ ટ્રકમાં મુંબઈથી માલ ભરી અમદાવાદ તરફ જતા હોઈ બંને ટ્રકો આગળ પાછળ ચાલતી હતી. દરમ્યાન વડોદરાથી અમદાવાદ જવા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આણંદ ટોલપ્લાઝા એન્ટર રોડ નજીક આવતા રામબચ્ચન યાદવે પોતાની ટ્રક ગફલતભરી રીતે હંકારી લાવી સરવણકુમારની ટ્રકને પાછળના ભાગે ધડાકાભેર અથડાવી હતી.
અકસ્માતને પગલે સરવણકુમારે પોતાની ટ્રક રસ્તાની એકતરફ ઉભી રાખી પાછળ જઈ જોતા ટ્રકના પાછળના ભાગે નુકસાન પહોંચ્યું હતું તેમજ રામબચ્ચન યાદવની ટ્રકને આગળના ભાગે નુકસાન પહોંચ્યું હતું તેમજ રામબચ્ચન યાદવને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ કંઈ બોલી શકતા ન હતા. જેથી સરવણ કુમારે ૧૦૮ અને પોલીસની ટીમને ફોન કરી જાણ કરતા ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને ૧૦૮ના તબીબે રામબચ્ચન યાદવને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે સરવણકુમાર સૈનીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.