આજે જાહેર કરવામાં આવેલા વિષય આધારિત ક્યુએસ વર્લ્ડ રેકિંગ્સ અનુસાર વિશ્વની ટોચની 25 બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ સંસ્થાઓમાં આઇઆઇએમ, અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વની ટોચની 50 બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ સંસ્થાઓમાં આઇઆઇએમ-બેંગ્લોર અને આઇઆઇએમ-કલકત્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉચ્ચ શિક્ષણ વિશ્લેષણ સંબધી કંપની ક્વાક્વેરેલી સાઇમંડ્સ (ક્યુએસ), લંડન દ્વારા જાહેર પ્રતિષ્ઠિત રેંકિગમાં જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ) ભારતમાં પ્રથમ નંબરે છે. ડેવલોપમેન્ટ સ્ટડીઝની બાબતમાં જેએનયુ વિશ્વમાં 20મા ક્રમે છે.
ચેન્નઇ સ્થિત સવિતા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેકનિકલ સાયન્સ ડેન્ટલ કોલેજોમાં વિશ્વમાં ૨૪મા ક્રમે છે. ક્યુએસના સીઅઓ જેસિકા ટર્નરે જણાવ્યું હતું કે ભારત સામેના સૌથી મોટા પડકારો પૈકીનો એક ગુણવત્તાયુક્ત શિક્ષણનો છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ પડકારની ઓળખ કરવામાં આવી હતી. આ નીતિમાં ૨૦૩૫ સુધીમાં ૫૦ ટકાનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોનો મહત્ત્વપૂર્ણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
ક્યુએસના જણાવ્યા અનુસાર ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિસ્તાર કરનારા શોધ કેન્દ્રો પૈકીનો એક છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૭થી ૨૦૨૨ની વચ્ચે શોધમાં ૫૪ ટકાની વૃદ્ધિ જોવા મળી છે જે વૈશ્વિક સરેરાશથી બેગણી વધારે છે તથા તે પશ્ચિમી સમકક્ષો કરતા પણ ઘણી વધારે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રમાણની દ્રષ્ટિએ ભારત હવેં શોધ ક્ષેત્રમાં વિશ્વનો સૌથી મોટો દેશ છે અને આ સમયગાળામાં ૧૩ લાખ એકેડેમિક પેપર્સ તૈયાર કરવામાં આવ્યા છે જે ચીનના ૪૫ લાખ અને અમેરિકાના ૪૪ લાખ તથા બ્રિટનના ૧૪ લાખથી પાછળ છે.