લેબર પાર્ટીને ૪૫ ટકા વોટ શેર સાથે ૪૬૮ બેઠકો મળવાનો અંદાજ : સર્વેમાં ૧૫૦૨૯ લોકો સામેલ હતાં
રિશિ સુનક પણ પોતાની નોર્થ યોકશાયરની બેઠક ગુમાવશે
બ્રિટનમાં સિવિલ સોસાયટી કેમ્પેઇન ઓર્ગેનાઇઝેશન દ્વારા હાથ ધરવામાં આવેલા ચૂંટણી પૂર્વેના સર્વેમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. આ સર્વે મુજબ ચાલુ વર્ષના અંતમાં યોજાનારી બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને મોટું નુકસાન થઇ શકે છે અને બ્રિટનના વડાપ્રધાન રિશિ સુનક ઉત્તર યોર્કશાયર પોતાની બેઠક ગુમાવે તેવી પણ શક્યતા છે.
બેસ્ટ ફોર બ્રિટન વતી સર્વેશન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ૧૫,૦૨૯ લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં. આ સર્વેમાં વિરોધ પક્ષ લેબર પાર્ટીને ૪૫ ટકા વોટ શેર મળવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સર્વે મુજબ લેબર પાર્ટીને કન્ઝર્વેટિવ પાર્ટીથી ૧૯ પોઇન્ટની લીડ મળશે.
બ્રિટનના એક અગ્રણી અખબારમાં છપાયેલા સર્વેના અહેવાલ મુજબ આગામી સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને અત્યાર સુધીના સૌથી ખરાબ ચૂંટણી પરિણામનો સામનો કરવો પડશે. તેમને આ વખતે ૧૦૦થી પણ ઓછી બેઠકો મળવાની શક્યતા છે.
લેબર પાર્ટીને ૪૬૮ બેઠકો મળવાની શક્યતા છે. જેના કારણે વિરોધ પક્ષના નેતા સર કિર સ્ટેર્મરની પાર્ટીને ૨૮૬ બેઠકોની પૂર્ણ બહુમતી મળવાની સંભાવના છે.
બેસ્ટ ફોર બ્રિટનના એનાલિસિસના જણાવ્યા અનુસાર જો બ્રિટનમાં આવતીકાલે ચૂંટણી યોજવામાં આવે તો સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને ૨૫૦ સાંસદો ગુમાવવાનો વારો આવી શકે અને લેબર પાર્ટી ૪૬૮ બેઠકો જીતી શકે. જે કન્ઝર્વેટિવ પાર્ટી માટે અત્યાર સુધીનું સૌથી ખરાબ ચૂંટણી પરિણામ ગણાશે.