લોકસભાની ચૂંટણી જાહેર થતાં હવે વિકાસના કામ ના નિર્ણય પર બ્રેક લાગી ગઈ છે. આચાર સંહિતા લાગુ પડતાં પહેલાં પાલિકાના બજેટમાં સમાવવામાં આવેલા પ્રોજેક્ટ ની કામગીરી નો ધમધમાટ ચાલતો હતો. પરંતુ હવે આચારસંહિતા બાદ પાલિકા કમિશનરે ટાઉન પ્લાનિંગ વિભાગ માં ટી. પી. સ્કીમોના નગર રચના અધિકારીની મોકલવા જોગ પરામર્શ ની ફાઈલ પર ભાર મુક્યો છે. એક અઠવાડિયામાં ૧૧ ટી. પી. સ્કીમોના પરામર્શની ફાઇલો નગરરચના અધિકારીઓને જરૂરી અભિપ્રાય સાથે મોકલી આપી છે.
સુરત પાલિકાની વિવિધ ટી પી સ્કીમ માં એવોર્ડ જાહેર કરવામા આવે તે પહેલાં દરખાસ્ત માટે નો પરામર્શ નગર રચના અધિકારીએ મોકલી આપવાનો હોય છે. પાલિકા દ્વારા આ દરખાસ્ત પર વિસ્તૃત અભ્યાસ કરવામા આવે છે અને પરામર્શ મ્યુનિ. કમિશ્નર ની મંજુરી સાથે મોકલવાનો હોય છે. આવા કિસ્સામાં પાલિકા કમિશ્નરની મંજૂરી સાથે પરામર્શ મોકલ્યો ન હોય ત્યાં સુધીમાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વેલિડેશન માટેના કોઇ અભિપ્રાય જે-તે ટી. પી. સ્કીમ બાબતે આપવામાં આવતો નથી.
આવા પ્રકારની કામગીરીથી ટીપી સ્કીમ વિસ્તારમાં નવા ડેવલપમેન્ટ થાય છે તે કામગીરી સ્થગિત થઈ જાય છે. પરંતુ મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે આ મુદ્દાને ઘણોજ ગંભીરતાથી લીધો છે અને ૧૮ માર્ચથી ૨૬ માર્ચ સુધીના એક સપ્તાહમાં જ કુલ ૧૧ ટી. પી. સ્કીમ માટે નગર રચના અધિકારી દ્વારા એવોર્ડ પહેલાં રજૂ કરેલી દરખાસ્ત અંગે પરામર્શની ફાઇલને મંજૂરી આપી દીધી છે.
સુરત પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારની ટીપી સ્કીમ માટે પરામર્શ ગરરચના અધિકારીને મોકલી આપ્યો છે. આ કામગીરી ઝડપી થતાં આ ૧૧ પરામર્શ પાઠવેલ ટી. પી. સ્કીમમાં હવે પ્લોટ વેલિડેશન તથા વિકાસ પરવાનગી માટેના અભિપ્રાય ટાઉન પ્લાનિંગ વિભાગ હારા આપી શકાશે અને આ અભિપ્રાય ના આધારે નિયમ મુજબ વિકાસ પરવાનગી મેળવી ડેવલપમેન્ટ ની કામગીરી શરુ કરવામા આવશે.
સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં એક જ સપ્તાહમાં 11 ટીપી સ્કીમની દરખાસ્ત પરામર્શ માટે મોકલી આપવામાં આવી હોય તેવી સંભવતઃ આ પહેલી ઘટના છે.