આજે અક્ષય તૃતીયા (Akshay Tritiya)ના પાવન અવસરે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. કેદારનાથ ધામ (Kedarnath Dham)ના કપાટ ખુલી ગયા છે. બાબા કેદારના જયઘોષ વચ્ચે ભક્તોની હાજરીમાં કપાટ ખોલવામાં આવ્યા હતા. આજે સવારે બરાબર 7:15 કલાકે શુભ મુહૂર્તમાં મંદિરમાં બાબા કેદારની પંચમુખી ડોળીની વિધિ-વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી.
કેદારનાથની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ ખુલ્યા
કપાટ ખોલ્યા પછી, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ ધામમાં પ્રાર્થના કરી અને દેશ અને રાજ્યના તમામ લોકોના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami)એ પણ બાબા કેદારના દર્શન કરવા આવેલા ભક્તોનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં આયોજિત ભંડારા કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. કેદારનાથ ધામની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ આજે ખોલવામાં આવ્યા છે. બદ્રીનાથ ધામના કપાટ 12મી મેના રોજ ખુલશે.
બાબા કેદારના દર્શન માટે લોકોની લાંબી લાઈન જોવા મળી
નોંધનીય છે કે ચાર ધામનું તાપમાન શૂન્ય ડિગ્રી છે. દિવસ દરમિયાન તાપમાન 0 થી 3 ડિગ્રીની આસપાસ રહે છે અને રાત્રે તાપમાન માઈનસ થઈ જાય છે. તેમ છતાં ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાર ધામમાં હાલમાં લગભગ 10 હજાર ભક્તો હાજર છે. ગૌરીકુંડ સુધી ભક્તો ઉમટી પડ્યા છે. બાબા કેદારના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. બર્ફની ચાદરથી ઢકાયેલા પહાડો અને ઘનઘોર વાદળોથી ભરેલા આકાશમાં બાબા કેદારનો જયઘોષ ગુંજી રહ્યો છે. કેદારનાથ ધામથી ગૌરીકુંડ માત્ર 16 કિલોમીટર દૂર છે.