બહુમાળી ભવનના ગેટ પાસે 9 થેલામાં દારૂ લઈને ઉભા હતા ત્યારે એલસીબીએ દબીચી લીધા
મહિલાઓના ટોળું મુંબઈથી અંગ્રેજી દારૂ ખરીદી આડોડિયાવાસમાં વેચવા લાવ્યાની કબૂલાત
ભાવનગર : શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં રહેતા સાત મહિલા બુટલેગર મુંબઈથી દારૂ લઈને ભાવનગર આવ્યા હતા. ત્યારે બહુમાળી ભવનના ગેટ પાસેથી અંગ્રેજી દારૂની નાની-મોટી ૫૬૭ બોટલ સાથે તમામ મહિલાઓ લોકલ ક્રાઈમ બ્રાંચની ઝપટે ચડી ગઈ હતી.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નિલમબાગ સર્કલથી એસ.ટી. બસ સ્ટેન્ડ તરફ જતા બહુમાળી ભવનના ગેટ સામે નિતાંશી પાઉંભાજીની લારી પાસે આજે શુક્રવારે વહેલી સવારના સમયે આડોડિયાવાસની કેટલીક મહિલાઓ વિદેશી દારૂનો જથ્થો લઈને ઉભી હોવાનું ચોક્કસ બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડતા રસ્તા ઉપર નવ ખેલા લઈને ઉભેલા અને અગાઉ દારૂના કેસમાં પકડાયેલી મહિલાઓ અંજનાબેન પંકજભાઈ રાઠોડ, મીનાબેન નિતેષભાઈ પરમાર, ઉજાલાબેન દીપકભાઈ રાઠોડ, કાળીબેન નટવરભાઈ રાઠોડ (રહે, ચારેય બંધ કતલખાનાની બાજુમાં, આડોડિયાવાસ), તરૂણાબેન રાજુભાઈ પરમાર (રહે, તિલકનગર, આડોડિયાવાસ), જયશ્રીબેન પ્રકાશભાઈ પરમાર (રહે, મેલડી માતાના મંદિર સામે, તિલકનગર, આડોડિયાવાસ) અને નિકીતાબેન જીજ્ઞોશભાઈ રાઠોડ (રહે, પત્થરદાદાના મંદિરની બાજુમાં, આડોડિયાવાસ)ને ઝડપી લઈ થેલામાં તપાસ કરતા વિલાયતી દારૂની જુદી-જુદી બ્રાંડની નાની-મોટી બોટલ નં.૫૬૭ મળી આવતા એલસીબીએ દારૂનો જથ્થો સાથે સાતેય મહિલા સામે નિલમબાગ પોલીસ મથકમાં પ્રોહિ. એક્ટની કલમ ૬૫-એ, ૬૫ (ઈ), ૧૧૬-બી, ૮૧ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.
ઝડપાયેલી મહિલાઓના ટોળાની પૂછતાછ કરતા આ અંગ્રેજી દારૂ મુંબઈથી લાવી આડોડિયાવાસમાં છૂટક વેચાણ કરવાના હોવાની કબૂલાત આપી હતી.