44 ડિગ્રી ગરમીના પ્રકોપથી રોજના પાંચેક જેટલા હિટસ્ટ્રોકના કેસ આવે છે
ગરમીના ઓરેન્જ એલર્ટને લઇને આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું, તબિબોની ટીમો તૈનાત કરાઇ
આણંદ : આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ગુરુવારે મહતમ તાપમાનનો પારો ૪૪ ડિ.સે. પહોંચ્યો હતો. હીટવેવને લઈને સિવિલ હોસ્પિટલમાં દરરોજ હીટ સ્ટ્રોકના ચારથી પાંચ દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. ઓરેન્જ એલર્ટને લઈ સિવિલ હોસ્પિટલ ખાતે આઠ બેડનો ઈમરજન્સી વોર્ડ તૈયાર કરાયો છે.
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો ૪૪ ડિગ્રી આસપાસ રહે છે. આણંદ કૃષી યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુરુવારે આણંદ જિલ્લામાં મહતમ તાપમાન ૪૪ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૯.૭, હવામાં ભેજનું પ્રમાણ ૫૮ ટકા, પવનની ઝડપ ૪.૯ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૧૧.૩ નોંધાયો હતો.
આણંદ જિલ્લામાં આગામી તા.૨૬ મે સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આણંદ જનરલ હોસ્પિટલના આરએમઓ ડો.સુધીર પંચાલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં રોજના હીટ સ્ટ્રોકના ચારથી પાંચ દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. ઓરેન્જ એલર્ટને લઈ સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં ૮ બેડ સાથે ઈસીજી મશીન, ઓક્સિજન તથા તબીબોની ટીમ અને દવાઓની કિટ તૈયાર રાખવામાં આવી છે. હીટ સ્ટ્રોકના દર્દીઓને તુરત જ સારવાર આપવામાં આવી રહી છે.
ફૂંકાતા સૂકા ગરમ પવનોને કારણે ગરમીનું જોર વધ્યું છે. જેથી સામાન્ય તાપમાન ૨ થી ૩ ડિગ્રી જેટલું વધુ રહે છે. જેને લઈ મોડી રાત્રી સુધી અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે. મે મહિનામાં સતત એક સપ્તાહથી પડી રહેલી કાળઝાળ ગરમી પાછલા વર્ષોનો રેકર્ડ તોડશે તેવી સંભાવના જોવાઈ રહી છે. હીટ વેવ અને વોર્મ નાઈટની આગાહી સાથે આગામી ચાર દિવસમાં ગરમીમાં કોઈ રાહત મળવાની સંભાવના નથી.