ડ્રગ્સ વિરોધી અભિયાનમાં સફળતા
સ્પેશિયલ ફોર્સ અને કચર પોલીસે 21.5 કિલો ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ કરી
ગુવાહાટી : આસામમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. કચર જિલ્લામાંથી રૂપિયા ૨૧૦ કરોડના હેરોઈન સાથે એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી આસામ પોલીસે શુક્રવારે આપી હતી. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને કચર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મિઝોરમની એક કારને સિલ્ચર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૈયદપુરમાં અટકાવવામાં આવી હતી. આ કારમાંથી ૨૧.૫ કિલોથી વધુ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.
એક રિપોર્ટ મુજબ, ૧૮ કિલો હેરોઈન સૌથી શુદ્ધ સ્વરૂપમાં હોવાથી તેને ઉત્પાદન પ્રક્રિયાની જરૂરત હતી. જ્યારે, ૩.૫ કિલો તૈયાર હતું. જપ્ત કરવામાં આવેલા હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટમાં આશરે રૂ. ૨૧૦ કરોડ હોવાનો અંદાજ છે. પોલીસને માહિતી મળી હતી કે, પાડોશી રાજ્યમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો કેટલાક શહેરોમાં સપ્લાય થવાનો છે. ડ્રગ્સ સાથેની કારે ત્રણ દિવસ પહેલા તેની મુસાફરી શરૂ કરી હતી.