લોકસભા ચૂંટણી 2024 માં પીએમ મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળનું NDA ગઠબંધન તથા I.N.D.I.A. ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ વખતે મોદી સરકારના વિજયી રથને રોકવા માટે I.N.D.I.A.ના સહયોગી પક્ષોએ પણ કમર કસી લીધી છે. આ જ ક્રમમાં આજે ફરી એકવાર I.N.D.I.A.ના નેતાઓ દ્વારા એક સંયુક્ત પત્રકાર પરિષદ આયોજિત કરાઈ હતી.
ભાજપ અને મોદી સરકાર સામે તાક્યું નિશાન
આ સંયુક્ત પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સહિત અન્ય સહયોગી નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં અખિલેશ યાદવે ભાજપને ઘેરતાં સવાલોનો મારો ચલાવ્યો હતો. અખિલેશે કહ્યું કે ચૂંટણી બોન્ડે ભાજપની બેન્ડ વગાડી દીધી. ડબલ એન્જિનની સરકારમાં હોર્ડિંગ્સ પર માત્ર એક જ ચહેરો જોવા મળી રહ્યો છે.
રાહુલ ગાંધીએ પણ કર્યા પ્રહાર
આ દરમિયાન રાહુલ ગાંધીએ પણ ભાજપને સવાલ પૂછ્યો કે જો ચૂંટણી બોન્ડ યોગ્ય જ હતું તો પછી સુપ્રીમકોર્ટે તેને રદ કેમ કર્યા? જે લોકોએ ભાજપને હજારો કરોડો રૂપિયા આપ્યા તેના વિશે વિગતો કેમ છુપાવાઈ? કંપનીઓને હજારો કરોડોના કોન્ટ્રાક્ટ અપાય છે અને તેના તાત્કાલિક બાદ તે કંપનીઓ ભાજપને ડોનેશન આપે છે. હાલમાં બેરોજગારી, મોંઘવારી મુખ્ય મુદ્દા છે છતાં ભાજપ ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવામાં જ વ્યસ્ત છે. ખેડૂતો પણ પરેશાન છે. તેમને એમએસપી નથી મળી રહી.
પીએમ મોદીએ ફ્લોપ ઈન્ટરવ્યૂ આપ્યોઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આ વિચારધારાની ચૂંટણી છે. ભાજપ બંધારણનો નાશ કરી રહ્યો છે. તેને બચાવવા માટે આ એક વિકલ્પ છે. ક્યારેક પીએમ મોદી પાણીની નીચે જાય છે. ક્યારેક તેઓ આકાશમાં જાય છે. પીએમ મોદીએ સ્ક્રિપ્ટેડ અને ફ્લોપ ઈન્ટરવ્યૂ આપ્યો અને ચૂંટણી બોન્ડ વિશે વાત કરી. અમારું ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી લોકશાહી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પીએમ મોદી ભ્રષ્ટાચારના ચેમ્પિયન છે.
માત્ર વોટ જ નહીં, બૂથની પણ સુરક્ષા કરવી પડશે: અખિલેશ
અખિલેશ યાદવે કહ્યું, ‘ઇલેક્ટોરલ બોન્ડે સરકારની પોલ ખોલી નાખી છે. ભાજપ ભ્રષ્ટાચારનો ગોડાઉન બની ગયો છે. એક-બે નહીં પરંતુ દસ પેપર લીક થયા છે. 60 લાખ લોકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે. તેમણે કાર્યકર્તાઓને માત્ર મતદાન કરવા જ નહીં પરંતુ બૂથની સુરક્ષા કરવા માટે પણ અપીલ કરી હતી.
જ્યારે રાહુલે રિપોર્ટરનો ઉધડો લઈ નાખ્યો…
રાહુલ ગાંધીને પત્રકાર પરિષદ દરમિયાન એક પત્રકારે સવાલ પૂછ્યું કે શું તમે અમેઠી કે રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડશો? તેના પર રાહુલ ગાંધીએ તરત જ જવાબ આપ્યો કે આ તો ભાજપનો સવાલ છે. ખૂબ સરસ, શાબાસ. જોકે રાહુલે કહ્યું કે મને પાર્ટી જે આદેશ આપશે તે હું કરીશ. અમારી પાર્ટીમાં આ બધા નિર્ણય કોંગ્રેસની વર્કિંગ કમિટી દ્વારા લેવાય છે.