છઠ્ઠા તબક્કાની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા લગભગ 39 ટકા ઉમેદવારો કરોડપતિ છે અને તેમની સરેરાશ સંપત્તિ 6.21 કરોડ રૂપિયા છે તેમ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોમર્સ (ADR)એ જણાવ્યું છે.
ભાજપના ઉમેદવારની આવક સૌથી વધું
ઉલ્લેખનીય છે કે છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન થવાનું છે. છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડનારા ઉમેદવારો પૈકી સૌથી વધારે આવક ભાજપના કુરુક્ષેત્ર બેઠકના ઉમેદવાર નવીન જિંદાલે જાહેર કરી છે. ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરેલા એફિડેવિટ મુજબ તેમની પાસે 1241 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્યારબાદ સંતૃપ્ત મિશ્રાએ 482 કરોડ રૂપિયા, સુશીલ ગુપ્તાએ 169 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે તેમ એડીઆરએ જણાવ્યું છે.
કુલ 866 ઉમેદવારો પૈકી 338 ઉમેદવારો કરોડપતિ
છઠ્ઠા તબક્કામાં કુલ 866 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 338 એટલે કે 39 ટકા ઉમેદવારો કરોડપતિ છે. આ કરોડપતિ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 6.21 કરોડ રૂપિયા છે. બીજેડીના છમાંથી 6, રાજદના ચારમાંથી ૪, જદ(યુ)ના ચારમાંથી ૪, ભાજપના 51માંથી 48 (94 ટકા), સપાના 12માંથી 11 (92 ટકા), કોંગ્રેસના 25માંથી 20 (80 ટકા), આપના 5માંથી 4 (80 ટકા) અને એઆઈટીસીના 9માંથી 7 ઉમેદવારોએ 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.
અપક્ષ ઉમેદવારે ફક્ત બે રૂપિયાની સંપત્તિ જાહેર કરી
સૌથી ઓછી સંપત્તિ રોહતકના અપક્ષ ઉમેદવાર માસ્ટર રંધિર સિંહે ફક્ત બે રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ત્યારબાદ પ્રતાપગઢના એસયુસીઆઈ (સી)ના ઉમેદવાર રામકુમાર યાદવે 1686 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. 896 ઉમેદવારો પૈકી 180 ઉમેદવારો (20 ટકા) સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે. જે પૈકી 141 (16 ટકા) સામે ગંભીર ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે. છ ઉમેદવારો સામે હત્યા સાથે સંકળાયેલા કેસો ચાલી રહ્યાં છે.