ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધી એકસાથે 106 સરકારી કર્મચારીઓને કરી દીધા સસ્પેન્ડ
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચની મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, ચૂંટણી પંચે મંગળવારે એટલે કે 9 એપ્રલે તેલંગાણા સરકારના 106 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. વિગતો મુજબ ચૂંટણી પંચે આ કર્મચારીઓ પર આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધ્યો છે. તેલંગાણાના આ સરકારી કર્મચારીઓએ કથિત રીતે BRSની બેઠકમાં ભાગ લીધો હતો. એક અહેવાલ મુજબ આ 106 સરકારી કર્મચારીઓ કથિત રીતે તેલંગાણાના સિદ્ધીપેટ જિલ્લામાં BRSની બેઠકમાં હાજર હતા.
સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે 7 એપ્રિલ, 2024ની રાત્રે તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લામાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ હાજર હતા. ભાજપની ફરિયાદના આધારે ચૂંટણી અધિકારીઓની ફ્લાઈંગ સ્કવોડ સભા સ્થળે પહોંચી હતી. ફ્લાઈંગ સ્કવોડ ત્યાં પહોંચતા જ તેમને જોઈ ત્યાં હાજર ઘણા કર્મચારીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં આ કર્મચારીઓની ઓળખ સીસીટીવી દ્વારા થઈ હતી. સિદ્ધિપેટ જિલ્લા મેજિસ્ટ્રેટ એમ મનુ ચૌધરીએ જેઓ જિલ્લા ચૂંટણી અધિકારી પણ છે તેમણે મોડી રાત્રે 106 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો.
ફ્લાઈંગ સ્ક્વોડે 4 કરોડ રૂપિયા જપ્ત કર્યા
એક અહેવાલ મુજબ ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોડ લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને સતત દરોડા પાડી રહી છે. 6ઠ્ઠી એપ્રિલની રાત્રે ફ્લાઈંગ સ્કવોડે દરોડો પાડીને ત્રણ લોકો પાસેથી 4 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. ફ્લાઈંગ સ્કવોડે તિરુનેલવેલી જતી નેલ્લાઈ એક્સપ્રેસના એસી કોચમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો પાસેથી આ રકમ જપ્ત કરી હતી. આ દરમિયાન તંબારામ રેલવે પોલીસ પણ ટીમ સાથે હતી.
DMKના ઉમેદવારના સંબંધી પાસેથી લાખોની રોકડ મળી
ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોડે 7મી એપ્રિલની મોડી રાત્રે વેલ્લોર લોકસભા બેઠક પરથી DMKના ઉમેદવાર કથીર આનંદના સંબંધીના ઘરેથી 7.5 લાખ રૂપિયા જપ્ત કર્યા. ફ્લાઈંગ સ્ક્વોડે નટરાજનના ઘરેથી પૈસા જપ્ત કર્યા હતા જે DMKના રાજ્ય સચિવ અને તમિલનાડુના જળ સંસાધન મંત્રી એસ દુરાઈમુરુગનના સંબંધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોડને આ પૈસા નટરાજનના ઘરેથી જ મળ્યા છે.