પોલીસી મુજબ ખાણી-પીણી પ્રવૃત્તિ માટે મંજુરી અપાતી નથી,સ્ટેન્ડિંગ ચેરમેન
અમદાવાદના ન્યુ રાણીપમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં બરફ-ગોળાનો સ્ટોલ ઉભો કરી દેવાતા પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉભા થયા છે.પોલીસી મુજબ મ્યુનિ.ના પ્લોટ ખાણી-પીણી પ્રવૃત્તિ માટે આપવામા આવતા નથી એમ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનનુ કહેવુ છે.
ન્યુ રાણીપમા આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં આચાર સંહિતાના અમલ પહેલા સ્ટેન્ડિંગ કમિટિમા અનેક કામ તથા ઠરાવ મંજુર કરાયા હતા તેમાં પાછળથી ચૂપચાપ પ્લોટ ભાડેથી આપવા ઠરાવ કરાયો હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.
આ પ્લોટ છેલ્લા કેટલાક સમયથી ખાલી પડયો છે.મ્યુનિ.પ્લોટ ખાણી-પીણી બજાર કે સ્ટોલ માટે ભાડેથી આપવાની કોઈ જોગવાઈ નથી.આમ છતાં આ પ્લોટમાં શ્રીજી પ્રમુખ આઈસ ગોલા એન્ડ આઈસક્રીમ ડીશના નામે બરફ-ગોળાનો સ્ટોલ ઉભો કરી દેવામાં આવ્યો છે.રાત્રિના સમયે લાઈટીંગ સાથે આ પ્લોટમાં બરફ ગોળાનો વેપાર કરવામા આવે છે.સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનના કહેવા મુજબ,પોલીસીમા આ અંગે જોગવાઈ કરવામા આવી નથી.આમ છતાં જો આ અંગે કોઈ ઠરાવ મંજુર કરવામા આવ્યો હોય તો હુ તપાસ કરી લઉ છુ.
પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મહેશ તાબીયાડના કહેવા મુજબ,ન્યુ રાણીપનો પ્લોટ સ્ટેન્ડિંગ કમિટિમા ઠરાવ બાદ ભાડે આપવામા આવ્યો છે.જયારે એસ્ટેટ વિભાગની પરમીટ શાખાના અધિકારી સ્ટેન્ડિંગ કમિટિમા પ્લોટ ભાડે આપવા ઠરાવ થયો હોવાનુ તો કહે છે પણ ઠરાવ અંગેની કોપી માંગવામા આવતા કોપી આપતા નથી.