ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં અતિભારે વરસાદ પડતાં મોટાભાગના રસ્તા ખખડધજ થઇ ગયા છે. શહેર-ગામ જ નહીં નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવેની સ્થિતિ બદ થી બદતર છે. ગુજરાતના કેટલાક નેશનલ હાઇવેની સ્થિતિ એવી થઈ ગઈ છે કે 3 કિલોમીટરનું અંતર કાપવા માટે પણ 1 કલાક જેટલો સમય થઈ જાય છે. ગુજરાતથી એક વર્ષમાં ટોલ પેટે સરકારને રૂપિયા 4800 કરોડથી વધુની આવક થઈ હોવા છતાં નાગરિકોને આવા બિસ્માર રોડથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
કરોડો રૂપિયાનો ટોલ છતાં રોડમાં પોલંપોલ
નાણાકીય વર્ષ 2023-24માં જે રાજ્યને ટોલથી સૌથી વધુ આવક થઈ હોય તેમાં ઉત્તર પ્રદેશ રૂપિયા 6995 કરોડ સાથે મોખરે, રાજસ્થાન રૂપિયા 5885 કરોડ સાથે બીજા, મહારાષ્ટ્ર રૂપિયા 5352 કરોડ સાથે ત્રીજા જ્યારે ગુજરાત 4851 કરોડ સાથે પાંચમાં સ્થાને છે. આ સ્થિતિએ ગુજરાતના હાઈવેમાં ટોલથી દરરોજ સરેરાશ રૂપિયા 13 કરોડથી વધુની આવક થાય છે. ટોલ પેટે વાહનચાલકોએ આટલી રકમ આપતા હોવા છતાં તેમને સામે કમર તોડી નાખે તેવા રોડ, પાપડ જેવા નાજૂક પૂલ મળે છે.
નેશનલ હાઈવે પર 3 કિમીનું અંતર કાપવામાં પણ 1 કલાક
તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક યુઝરે એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ચોર-લૂંટારુ પણ અંધારામાં ચોરી કરતા હોય છે. પરંતુ ગુજરાતના નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ધોળે દિવસે લૂંટ ચલાવે છે. રાજકોટમાં ગોંડલથી પહેલા 3 કિલોમીટરનો આ ખખડધજ રસ્તો કાપવામાં 1 કલાકનો સમય થઇ જતો હોવા છતાં તેના પણ ટોલ ચૂકવવો પડી રહ્યો છે.’ ગોંડલનો આ નેશનલ હાઇવે તો આ એકમાત્ર ઉદાહરણ છે.
આવા બિસ્માર રોડમાંથી પસાર થવા માટે પણ ટોલટેક્સ ચૂકવવાનો?
અમદાવાદના મોટાભાગના નેશનલ હાઇવે અને સ્ટેટ હાઈવેની હાલત ચોમાસા પહેલા જ કથળેલી હતી અને વરસાદથી જાણે આ પ્રકારના રોડમાં આગમાં ઘી હોમાયું છે. લોકોનો એવો રોષ છે કે આ પ્રકારના રોડથી મુસાફરી કર્યા બાદ કમરદર્દના દર્દી ચોક્કસ બની જવાય. એટલું જ નહીં ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને આ રોડમાં મુસાફરી કરાવવી ખૂબ જ જોખમી પુરવાર થઇ શકે છે. હકીકતમાં આ પ્રકારના રોડ માટે સરકારે કોઈ પ્રકારનો ટોલ જ વસૂલવો જોઈએ નહીં.