દેવગઢ બારીઆ તાલુકાના ઉધાવળા ગામે
દાહોદ : દેવગઢ બારીઆ તાલુકાના ઉધાવળા ગામેથી પોલીસે નાકાબંધી કરી કારમાં લઈ જવાઈ રહેલો રૂ.૧,૧૨,૩૨૦નો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડયો હતો. જ્યારે કારનો ચાલક પોલીસને જોઈને કાર સ્થળ પર છોડીને નાસી ગયો હતો. દેેવગઢ બારીઆ તાલુકાના ઉધાવળા ગામે મોટા ફળિયામાં રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમીના આધારે દેવગઢબારીઆ પોલીસે ગઈકાલે તે સ્થળે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરી હતી.
તે સમયે ત્યાંથી બાતમીવાળી કાર પસાર થતાં પોલીસે તેને ઊભા રહેવાનો ઈશારો કરતાં કારનો ચાલક વિજય શનાભાઈ પટેલ (રહે. અંતેલા, તા.દેવગઢ બારીઆ) પોલીસને જોઈ સ્થળ પર કાર મૂકીને નાસી ગયો હતો. પોલીસે ગાડી પાસે જઈ તેની તલાશી લેતાં કારમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો મળી આવી હતી.
પોલીસે કુલ રૂા.૧,૧૨,૩૨૦નો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લઈ કાર સહિત કુલ રૂા.૪,૧૨,૩૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં પોલીસે વિદેશી દારૂ મંગાવનાર તેમજ વિદેશી દારૂ ભરી આપનાર સહિત ગાડીના ચાલક મળી કુલ ત્રણ શખ્સ વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.