ધોલેરાના પીપળી-વટામણ હાઈવે પર બનેલો બનાવ
માતા-પુત્રને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા, બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી
ભાવનગર: ધોલેરાના પીપળી-વટામણ હાઈવે પર રોંગ સાઈડમાં આવી રહેલ કારના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતા મોટીબોરૂના યુવાનનું કરૂણ મોત થયું હતું. જ્યારે તેમના પત્ની અને પુત્રને ગંભીર ઈજા થતાં સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા.
બનાવ સંદર્ભે મળતી વિગત મુજબ ધોળકા તાલુકાના મોટીબોરૂ ગામે રહેતા ખોડાભાઈ શંકરભાઈ ગોહેલ (ઉ.વ.૩૪), તેમના પત્ની સંગીતાબેન (ઉ.વ.૩૫) અને દિકરો પાર્થ (ઉ.વ.૦૯) ગઈકાલે સોમવારે તેમની બાઈક નં.જીજે.૩૮.એએલ.૦૬૭૬ લઈને પીપળીથી મોટી બોરૂ ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે રાત્રિના આઠેક વાગ્યાના સુમારે પીપળી-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે વે-વેઈટ હોટલ નજીકથી પસાર થતી વેળાએ વટામણ તરફથી આવી રહેલ અર્ટિગા કાર નં.જીજે.૩૮.બીઈ.૨૨૫૮ના ચાલકે પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવી બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
જે બનાવમાં દંપતી અને તેમના પુત્રને ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સો મારફત ધોળકા સીએચસી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ખોડાભાઈને માથા અને કપાળના ભાગે ગંભીર હોય, ફરજપરના તબીબે તપાસ મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમના પત્ની સંગીતાબેનને માથા તેમજ પુત્ર પાર્થને પગના ભાગે ગંભીર ઈજા હોવાથી બન્નેની પ્રાથમિક સારવાર કર્યા બાદ અમદાવાદની એસવીપી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે મૃતકના કાકા ધરમશીભાઈ જીવાભાઈ ગોહેલ (ઉ.વ.૫૦)એ કારના ચાલક સામે ધોલેરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.