Bandipora Encounter: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા પર સકંજો કસવા માટે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં હાઈ લેવલ બેઠક યોજી હતી. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, રો ચીફ અને સેના પ્રમુખ મનોજ પાંડે સહીત અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ કાશ્મીરમાં સેના એક્ટિવ મોડમાં આવી ગઈ છે. બાંદીપોરામાં સેનાએ એક આતંકવાદીને ઠાર કરી દીધો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિસ્તારમાં ઓછામાં ઓછો એક આતંકવાદી હજુ પણ છુપાયેલો છે. સેનાનું ઓપરેશન ચાલુ છે.
એક દિવસ પહેલા જ અમિત શાહે કરી હતી હાઈ લેવલ બેઠક
કાશ્મીરના બાંદીપોરામાં સેનાએ આ કાર્યવાહી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ પર કરેલી ઉચ્ચ સ્તરીય બેઠકના એક દિવસ બાદ કરી છે. શાહે ઉચ્ચ અધિકારીઓને જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદ પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
સત્તાવાર સૂત્રોએ આજે એ માહિતી આપી કે, સેના અને પોલીસની ટીમે બાંદીપોરાના અરાગામ વિસ્તારમાં કાલે રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન તેની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાંથી આતંકીઓનો ખાતમો કરવા માટે હજુ પણ ઓપરેશન ચાલુ જ છે. જંગલ વિસ્તારમાં ચુસ્ત ઘેરાબંધી સુનિશ્ચિત કરવા માટે વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
રિયાસી આતંકવાદી હુમલાની તપાશ કરશે NIA
બીજી તરફ ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરના રિયાસી આતંકવાદી હુમલાનો મામલો રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપી દીધો છે. 9 જૂનના રોજ તીર્થયાત્રીઓને લઈને જઈ રહેલી બસ પર આતંકવાદી હુમલો થયો હતો. તેમાં પહેલા આતંકવાદીઓએ પહેલા ફાયરિંગ કર્યું હતું અને પછી અનિયંત્રિત બસ ખીણમાં ખાબકી હતી. તેમાં 9 લોકોના મોત થઈ ગયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા.