કરિયાણાના દુકાનદાર સામે ફરિયાદ
કરિયાણું લેવા આવતી કિશોરી સાથે દુકાનમાં જ બળજબરી કરી
આણંદ : ખંભાત તાલુકાના મીતલી ગામે કરિયાણાની દુકાન ચલાવતા દુકાનદારે બપોરના સુમારે એક કિશોરીની એકલતાનો લાભ લઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાના બનાવે ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે દુકાનદાર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખંભાત તાલુકાના મીતલી ગામે રહેતો મહેશભાઈ મંગળભાઈ જાદવ છેલ્લા કેટલાક સમયથી ગામમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. ગામમાં રહેતી એક કિશોરી તેની દુકાન ખાતે અવારનવાર અનાજ કરિયાણું લેવા માટે આવતી હતી.
આશરે એક માસ અગાઉ બપોરના સુમારે આ કિશોરી અનાજ કરિયાણું લેવા માટે મહેશ જાદવની દુકાન ખાતે પહોંચી હતી. તે સમયે મહેશ જાદવે કિશોરીને વાતો કરી ફોસલાવી દુકાનમાં લઈ ગયો હતો અને તેણીની એકલતાનો લાભ લઈ કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં જો આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ભયભીત થઈ ગયેલ કિશોરીએ જે તે સમયે આ અંગે કોઈને જાણ કરી ન હતી.
જો કે ત્યારબાદ જ્યારે પણ તક મળે ત્યારે મહેશ જાદવ આ કિશોરીને હેરાન પરેશાન કરતો હતો જેથી તેના ત્રાસથી કંટાળી ગયેલ કિશોરીએ આખરે પરિવારજનોને સઘળી હકીકત જણાવતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા અને પરિવારજનોએ કિશોરી સાથે ખંભાત ગ્રામ્ય પોલીસે મથકે પહોંચી ફરીયાદ નોંધાવતા પોલીસે મહેશભાઈ મંગળભાઈ જાદવ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.