નામાંકનપત્રની ચકાસણી બાદ હવે ઉમેદવારી પત્ર પરત ખેંચાશે
ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોના છ તથા ૧૭ અપક્ષો સહિત હાલ ૨૩ ઉમેદવારો ચૂંટણી જંગમાં
ગાંધીનગર : ગાંધીનગરની હાઇપ્રોફાઇલ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરાવવાના છેલ્લા દિવસે કુલ ૨૨ ફોર્મ ભરાયા હતા જેની સાથે ૩૮ ઉમેદવારો તથા ૫૩ ફોર્મ ભરાયા હતા. ત્યાર બાદ ગઇકાલે ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપ-કોંગ્રેસના એક-એક એમ બે ડમી ઉમેદવારોના ફોર્મ મેન્ડેટના અભાવે રદ થઇ ગયા હતા.
તો બીજીબાજુ છ જેટલા અપક્ષાની દાવેદારી ટકી શકી ન હતી. એટલુ જ નહીં, ફોર્મ ચકાસણી બાદ સાંજ સુધીમાં સાત જેટલા અપક્ષોએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી જેના પગલે હવે ૨૩ ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે .ત્યારે આજે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે હજુ પણ વધુ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચશે તે વાત પણ નક્કી છે.
ગાંધીનગર ઉત્તર અને કલોલ ઉપરાંત સાણંદ, વેજલપુર, ઘાટલોડિયા,નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકોની બનેલી ગાંધીનગર લોકસભા બેઠક માટે તા.૧૨મીને શુક્રવારે વિધિવતરીતે ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડયું હતું જેની સાથે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઇ ગયો હતો. તબક્કાવાર ફોર્મ ભરવાના પાંચ દિવસને અંતે ગાંધીનગરની ચૂંટણી જંગ માટે ૩૮ ઉમેદવારોએ ૫૩ ફોર્મ ભર્યા હતા. ત્યારે ગઇકાલે ઉમેદવારોના ફોર્મની ચકાસણી વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી હતી. જેમાં ભાજપ-કોંગ્રેસના એક-એક ડમી ઉમેદવારોના ફોર્મ મેન્ડેટના અભાવે આપોઆપ રદ થઇ ગયા હતા. તો બીજીબાજુ છ જેટલા અપક્ષોએવા હતા કે જેઓ પોતાની સાથે દસ ટેકેદારો પણ લાવી શક્યા ન હતા. જેના પગલે આ છ અપક્ષોના ફોર્મ પણ રદ કરવામાં આવ્યા હતા.
આમ, શનિવારે ફોર્મ ચકાશણીને અંતે બપોરે ત્રણ કલાસ સુધી આઠ ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને ચૂંટણી જંગમાં ૩૦ ઉમેદવારો રહ્યા હતા.ત્યાર બાદ ચૂંટણી જંગમાંથી એક પછી એક સાત જેટલા ઉમેદવારોએ ગઇકાલે જ ફોર્મ પરત ખેંચી લાધા હતા. જેમાં નાના રાજકીય પક્ષોના ત્રણ તથા ચાર અપક્ષોનો સમાવેશ થાય છે. એટલે ગઇકાલ સાંજની સ્થિતિએ ગાંધીનગર લોકસભા ચૂંટણી જંગમાં ૨૩ ઉમેદવારો રહ્યા છે. ત્યારે આવતીકાલે સોમવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ રાખવામાં આવ્યો છે ત્યારે ભાજપ-કોંગ્રેસ પોતાને નડી શકે તેવા અપક્ષોને બેસાડવા માટે રવિવાર મોડી રાત સુધી મથી હતી જેના પગલે સોમવારે હજુ પણ ઘણા ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચશે અને ત્યાર બાદ જ ઉમેદવારાનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. સોમવારે સાંજે હરિફ ઉમેદવારોનું ફાયનલ લિસ્ટ બનશે તો ત્યાર બાદ અપક્ષોને ચૂનાવ ચિન્હ ફાળવવામાં આવશે અને બેલેટ પેપર તૈયાર કરવાની સાથે ઇવીએમ કમિશનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.