ગુજરાત રાજ્યના DGPએ 28,000 બેંક ખાતાઓ અનફ્રીજ કરવાના નિર્ણય થકી વાહ વાહી લૂંટી લીધી છે. હજારો સામાન્ય પ્રજાજનોની પોતાનો કોઈ વાંક ન હોવા છતાં બેંક ખાતાઓ ફ્રીઝ કરવાના મુદ્દે મહિનાઓથી આવતી ફરિયાદો નજરઅંદાજ કરવામાં આવતી હતી. વ્યાપકપણે ફરિયાદો અંગે અહેવાલો છપાવ્યા બાદ ડીજીપી અને ગાંધીનગરનો ગૃહ વિભાગ જાગ્યું અને હવે 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યાની વાહ વાહી લૂંટી રહ્યા છે. આવા તબક્કે એવી ચર્ચા જાગી છે કે આ 28,000 બેંક ખાતાઓ ફ્રીઝ રાખનાર જવાબદારો સામે પગલાં ભરવાની હિંમત ડીજીપી બતાવશે ખરા? કયા સંજોગોમાં અને કયા લેયર સુધી ખાતા ફ્રીઝ કરવા તેમજ બેંક ખાતામાંથી કેટલી રકમ યાને કે કૌભાંડની રકમ જ ફ્રીઝ કરવી એવા આદેશો ડીજીપીએ તેમના જ વિભાગને કરવા પડ્યા છે તે જ તેમની આંતરિક અવ્યવસ્થાની ચાડી ખાય છે.
તોડ કરવાની આયોજનબઘ્ધ ગેમ ચાલે છે
ગુજરાત માટે શરમજનક બાબત એ છે કે અસંખ્ય એવા નાગરિકો કે જેમના બેન્ક ખાતાઓમાં મળતીયા કૌભાંડકારી કે ચીટર થકી પાંચ દસ કે પંદર હજાર રૂપિયા જમા કરાવડાવીને બેંક ખાતા ફ્રીઝ કરી દેવાનો કારસો ચાલે છે. આ પછી આ બેંક ખાતા ખોલવા માટે થઈને 5-6 આંકડાની રકમનો તોડ કરવાની આયોજનબઘ્ધ ગેમ ચાલતી હતી અને ચાલે છે. 28,000 બેંક ખાતા અનફ્રીઝ કરવાની શેખી હાંકતા ડીજીપીએ હજી સુધી પ્રજાજનોને પરેશાની સર્જે એવા બેંક ખાતા ફ્રીઝ કરવાના આંતરિક ખાતાકીય અને બહારના ભળેલા, મળતિયા લોકોના સામુહિક કારસ્તાનથી ચાલતા ષડયંત્રને પકડવાની દિશામાં કોઈ કાર્યવાહી કરી હોય તેમ જણાતું નથી.
કાર્યવાહી કરવાની દિશામાં કોઈ જ પગલું ભરાયું નથી
સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાત પોલીસના અમુક કૌભાંડી અને અમુક અસામાજિક તત્વો આ પ્રકારનું ષડયંત્ર અન્ય રાજ્યોમાં પણ વિસ્તારી ચૂક્યા છે. ડીજીપી જો તેમની જ કેડરના એટલે કે IPS અધિકારીઓમાં હક, અધિકાર કે વિશ્વાસ ધરાવતા હોય તો રાજ્યના SP કક્ષાથી માંડી ઊચ્ચ કક્ષાના ભાગ્યે જ કોઈ અધિકારી એવા હશે કે જેમની પાસે નિર્દોષ નાગરિકના બેન્ક ખાતા ખોટી રીતે બ્લોક થયા હોય એની ફરિયાદ પહોંચી ન હોય. આવી ફરિયાદો સંદર્ભે ઊંડાણભરી તપાસ કરીને કાર્યવાહી કરવાની દિશામાં કોઈ જ પગલું ભરાયું નથી. વરને કોણ વખાણે વરની મા. એ નાતે ડીજીપી 28000 બેંક ખાતા અનબ્લોક કર્યાની વાત કરે છે પરંતુ હજુ સુધી કેટલા બેંક ખાતા બ્લોક થયેલા છે? આ ખાતાઓમાં કેટલા પૈસા બ્લોક થયેલા છે? તેની વિગતો જાહેર કરતા નથી . કોઈપણ બેંક ખાતુ બ્લોક કરવામાં આવે તો તેની તપાસ નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરી અનબ્લોક કરવામાં આવે તે અંગે કોઈ જ નિયમ ઘડી અમલ કરવાની દિશામાં કાર્યવાહી થતી નથી.
ચીટિંગના કિસ્સાઓ સમગ્ર ગુજરાતમાં સતતને સતત વધી રહ્યા છે
ગંભીર બાબત એ પણ છે ઓનલાઇન ચીટિંગના કિસ્સાઓ સમગ્ર ગુજરાતમાં સતતને સતત વધી રહ્યા છે. ઓનલાઇન ચિટીંગ માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓ ભાડે લેવા અથવા તો ગરીબોને થોડા પૈસા આપી બેંક ખાતાઓ હસ્તગત કરી લેવા આયોજનબઘ્ધ કૌભાંડ ચાલે છે. આવું આયોજનબઘ્ધ કૌભાંડ ચલાવી બેન્ક ખાતાઓ થકી કરોડો રૂપિયાની હેરાફેરી કરતા ચીટર અથવા તો બેંક ખાતાઓ લાવનારા તેમના મળતીયાઓ પકડવાની દિશામાં ડીજીપી કે તેમની પોલીસ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી શકી નથી.
ફરિયાદ પછી કેટલા દિવસે ગુનો નોંધાય છે એ વિશે ડીજીપી કશું જ બોલતા નથી
પોલીસે ગેરકાયદેસર રીતે અથવા તો કોઈ નિર્દોષના ખાતાઓ બ્લોક કર્યા તે અનબ્લોક કરવા એ એમની શરમ કહેવાય. શરમથી ક્ષોભ અનુભવવાના બદલે 28000 બેંક ખાતા અનફ્રીઝ કર્યાની વાહવાહી લૂંટીને હજુએ કેટલા ખાતાઓ બ્લોક છે? કેટલા પૈસા બ્લોક છે? કેટલા ઓનલાઈન ચિટર્સ અનબ્લોક છે? એ દિશામાં કાર્યવાહી નહીં થતી હોવાના મુદ્દે પડદો ઢંકાઈ રહ્યો છે. ઓનલાઇન ચીટિંગના મુદ્દે કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોની પોલીસ વચ્ચે સંકલિત કામગીરી થાય તેવા આયોજનો ઘડ્યા છે. પરંતુ ગુજરાતમાં ઓનલાઈન ચીટીંગની ફરિયાદ આવે પછી કેટલા દિવસે ગુનો નોંધાય છે એ વિશે ડીજીપી કશું જ બોલતા નથી.
ગુનેગારોમાંથી કેટલાની ઓળખ મેળવી શકાઈ?
બીજા રાજ્યો સાથે સંકલન કરીને ગુજરાતમાંથી ગુજરાતના નિર્દોષ નાગરિકોના કરોડો રૂપિયા ઉસેડી જતા ગુનેગારોમાંથી કેટલાની ઓળખ મેળવી શકાઈ? એ વિશે પણ ડીજીપી કશું બોલતા નથી. 28000 બેંક ખાતા અનબ્લોક કર્યાની એક શરૂઆત ડીજીપીએ કરી છે ત્યારે જેમ ઈ ચીટીંગનો રાફડો ફાટ્યો છે તે જ રીતે પોલીસ તંત્રમાં બેંક ખાતા અને ઓનલાઈન ચીટીંગના નામે ભ્રષ્ટાચારનો ભોરિંગ ઘર કરી ગયો છે તેની સાફસુફી કરવાના મુદ્દે ડીજીપી બે શબ્દો ઉચ્ચારે એવું પણ લોકો ઇચ્છી રહ્યા છે.
સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28 હજાર બેન્ક ખાતાં અનફ્રિઝ
ગુજરાતમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 જેટલા બેન્ક ખાતાઓને અનફ્રીઝ કરવામાં આવ્યા છે અને હવે બેન્ક ખાતું ફ્રીઝ કરવાની પોલિસીમાં બદલાવ કરીને સંપૂર્ણ એકાઉન્ટના બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમ જ ફ્રીઝ કરવામાં આવશે. એમ રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું હતું. સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ વર્ષે રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42 ટકા છે, જે 2023માં માત્ર 17.93 ટકા હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ 114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ 53.34 કરોડ છે. ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના બેન્ક ખાતાઓ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવશે તો એક પછી એક કેસના આધારે આ ખાતાઓની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આવા ખાતાઓને અનફ્રીઝ કરવામાં આવશે.