લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે અને પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે ત્યારે સટ્ટા બજાર પણ હાર જીતના ખેલ પાડવા માટે સજજ થઈ ગઈ છે. ગુજરાતમાં વર્તમાન સ્થિતિએ પણ ભાજપ તમામ 26 સીટ જીતશે તેવું સટ્ટા બજારનું અનુમાન છે. ગુજરાતમાં તા. 7 મેએ સહિત કુલ સાત તબક્કામાં મતદાને પછી ૪ જૂનના ગણતરી થાય તે પહેલાં ચૂંટણી સટ્ટામાં આઈ.પી.એલ.થી વધુ રકમની ઉથલપાથલ થવાનું સટ્ટા બજારનું અનુમાન છે. નોંધપાત્ર બાબત એ છે કે, હાલમાં તો બુકી બજાર ભાજપ એકલા હાથે 319 સીટો જીતશે તેમ માને છે. શરૂઆતમાં ભાજપને કુલ 333 સીટનો અંદાજ વ્યક્ત કરતી બુકી બજારે હાલમાં ભાજપની કુલ સીટો ઘટાડીને 319 કરી છે.
જોકે તબક્કાવાર મતદાન થશે અને રાજ્યવાર સ્થિતિ સ્પષ્ટ થતી જશે તે મુજબ ચૂંટણીલક્ષી સટ્ટામાં બદલાવ આવતો જશે. ચૂંટણી સાથે બે મહિનાની સટ્ટા સિઝનમાં ઓનલાઈન અને સ્થાનિક કક્ષાએ અબજો રૂપિયાની હેરાફેરી થશે. બરાબર બે મહીના પછી એટલે કે આગામી 8 જૂને કેન્દ્રમાં ફરી ભાજપ, એન.ડી.એ.ની સરકાર હશે પણ કેટલી બેઠકો મળશે તે મુદ્દે સટ્ટા બજારમાં અબજો રૂપિયાની ઉથલપાથલ આ દિવસોમાં થનાર છે. આ ચૂંટણી ભારતના રાજકારણની સાથોસાથ આવનારાં દિવસો સટ્ટાના કારણે અર્થકારણમાં મોટી ઉથલપાથલ આવશે.
ક્રિકેટનો સટ્ટો મોટાભાગે ઓનલાઈન થઈ ચૂક્યો છે પરંતુ ચૂંટણીનો સટ્ટો ઓનલાઈન કરતાં સ્થાનિક કક્ષાએ વધુ પ્રમાણમાં રમાશે. આમ કહેતાં સટ્ટા બજારના સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્ર અને રાજ્યની ચૂંટણી હોય હોય તેના માટે રાજકીય પક્ષોની માફક જ સટ્ટાબજાર મહિનાઓ અગાઉ તૈયારી કરી રિસર્ચ કરે છે. લોકસભાની ચૂંટણીના છ મહિના અગાઉથી દરેક રાજ્યમાં રાજકીય, સામાજીક સહિતની તમામ ગતિવિધી ઉપરાંત આંતરિક ઉથલપાથલ ઉપર પણ સટ્ટા બજાર નજર રાખે છે.
ચૂંટણી જાહેર થાય તેના થોડા દિવસમાં જ ભાવ જાહેર કરાય તે પછી પણ મતદાનના તબક્કા પસાર થતાં જાય તેમ સટ્ટાના ભાવ બદલાતાં રહે છે. કદાચિત, આ કારણે જ ચૂંટણી જાહેર થઈ તે સમયે ભાજપની 333 બેઠક ગણતી સટ્ટાબજારે હાલ ભાજપની બેઠકો ઘટાડીને 319 કરી છે. ક્રિકેટ કરતાં ચૂંટણીનો સટ્ટો અલગ પ્રકારનો હોવાથી બુકીઓને માત્ર કમિશનની આવકમાં જ રસ હોય છે. ચૂંટણી સટ્ટામાં હાર અથવા જીત ઉપર રકમ લગાવાતી હોય છે. સ્વાભાવિક જ ખેલીઓ સિક્યોર્ડ બેઠક ઉપર સટ્ટો લગાવે તેવી બેઠકોના ભાવ સત્તાવાર રીતે બહાર પાડવામાં આવતાં નથી. ઓનલાઈન અને સત્તાવાર સટ્ટામાં રાજ્યમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે તેના ઉપર મહત્તમ સટ્ટો રમાતો હોય છે જે તે સ્થાનિક બેઠક ઉપર સ્થાનિક કક્ષાએ સટ્ટો રમાતો હોય છે.
લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન તા. 19ના રોજ થવાનું છે ત્યારેસટ્ટાબજારમાં સક્રિયતા વધી છે. હાલની સ્થિતિએ સટ્ટાબજારના મતે ભાજપને 319 આસપાસ બેઠકો મળવાનું અનુમાન છે. વર્ષ 2019માં 303 બેઠક જીતનાર ભાજપની સરકાર બનશે અને સીટો થોડી વધશે તેવું અનુમાન સટ્ટાબજારનું છે. સટ્ટાબજારમાં ભાજપની 300 બેઠકનો ભાવ 15 પૈસા છે. જ્યારે, 319થી 322 સીટનો ભાવ 1-1 રૂપિયો છે. તો, ભાજપ એન.ડી.એ. ગઠબંધનને કુલ 400 સિટનો ભાવ 4થી 5 રૂપિયા ચાલે છે. 2019ની સરખામણીએ 10 બેઠક ઘટીને કોંગ્રેસ 40-42 સુધી સીમિત રહેવાનું અનુમાન સટ્ટાબજાર વ્યક્ત કરે છે.
રાજ્ય કક્ષાએ ગુજરાત, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં કોંગ્રેસ શૂન્ય ઉપર રહેશે તેવો સટ્ટાબજારનો અંદાજ છે. મધ્યપ્રદેશમાં ભાજપ તમામ 29 બેઠક જીતવાના દાવા કરે છે. પરંતુ સટ્ટાબજારના મતે 24-25 બેઠક જીતવાની સંભાવના છે. સટ્ટાબજારના અનુમાન મુજબ, કોંગ્રેસ બે બેઠક જીતે તો ગત ચૂંટણી કરતાં એક સીટનો ફાયદો થઈ શકે છે. જો કે, સટ્ટાબજારે હાલમાં તો તમામ 29 બેઠકો ઉપર ભાવ કાઢ્યાં છે અને તેમાં ખેલીઓ ટ્રેપમાં આવે તેવું દેખાઈ આવે છે. રાજસ્થાનની પચ્ચીસમાંથી 23 બેઠક ભાજપ જીતશે તેવું સટ્ટાબજારનું અનુમાન ભાજપને બે બેઠકનું નુકસાન બતાવે છે. બાડમેર-જેસલમેર, જોધપુર, જાલોર અને નાગોરની બેઠકો ઉપર સટ્ટોડિયાઓની નજર છે. યુ.પી.ની કુલ 80 બેઠકોમાંથી સટ્ટાબજારના મતે ભાજપ અને સાથી દળોને 70 આસપાસ બેઠકો મળી શકે છે. ઈન્ડિયા ગઠબંધનને પાંચેક બેઠકો મળી હતી. ગત ચૂટણીમાં 10 બેઠક જીતનાર માયાવતીની બસપાને યુ.પી.માં એકપણ બેઠક નહીં મળે તેવું સટ્ટોબજાર માને છે. જો કે, લોકસભા ચૂંટણીમાં રાજકીય અને સટ્ટાના ભાવમાં ઉથલપાથલ થતી રહેશે. આવી ઉથલપાથળ ઉપર રાજકીય વર્તુળો ઉપરાંત સટ્ટાબજારની પણ નજર છે.
ચૂંટણી સટ્ટાના ભાવમાં નાગપુરના બુકી દ્વારા કાઢવામાં આવે છેઃ રાજસ્થાનમાં મોટું બજાર
બુકી બજારના સૂત્રો કહે છે કે, ચૂંટણી સટ્ટાના ભાવ ક્રિકેટ સટ્ટા કરતાં અલગ પ્રકારે નીકળે છે. ચૂંટ ચૂંટણી સટ્ટાના ભાવ નિશ્ચિત કરવામાં નાગપુરના રવિ નામના બૂકીની માસ્ટરી છે. નાગપુરના બુકી દ્વારા નિશ્ચિત કરવામાં આવતાં ભાવ આધારે ચૂંટણી જાહેર થાય ત્યાંથી શરૂ કરીને પરિણામ આવે તે દિવસ સુધી ભાવમાં વધઘટ થતી રહે છે. રાજસ્થાનમાં પણ ચૂંટણી સટ્ટાનું મોટું બજાર છે. નાગપુર અને રાજસ્થાનના બુકીઓ દ્વારા કઢાતાં ભાવ આધારે ચૂંટણી સટ્ટાનું ઓનલાઈને માર્કેટ એપ્લિકેશનો ઉપર ગરમા ગરમ છે.
ચૂંટણી સટ્ટામાં 50000 થી પાંચ લાખની મર્યાદા: સ્થાનિક સ્તરે અમર્યાદિત રકમનો સટ્ટો
બુકી બજારના સૂત્રો કહે છે કે, ક્રિકેટ હોય, ચૂંટણી હોય કે અન્ય કોઈ સટ્ટો અત્યારે ઓનલાઈનની બોલબાલા છે. આ વખતે ઓનલાઈન સટ્ટામાં મોટાભાગની એપ્લિકેશનમાં ઓછામાં ઓછા 100 રૂા. અને મહત્તમ રૂા. 50000 થી પાંચ લાખની મર્યાદા રખાઈ છે. જોકે, એક જ વ્યક્તિએ મહત્તમ રકમને સટ્ટો રમવો હોય તો ફરી વખત બુક કરી શકે છે. જો કે, ચૂંટણીમાં તો ઓનલાઈન કરતાં સ્થાનિક કક્ષાએ રાજકીય કાર્યકરો અને ચૂંટણી સાથે સંકળાયેલાં લોકો વચ્ચે અમર્યાદ રકમનો સટ્ટો રમાય છે. બુકી સૂત્રો ઉમેરે છે કે, ચૂંટણીમાં આઈ.પી.એલ. કરતાં વધુ સટ્ટો રમાય છે.