Rajkot Gamezone Fire: રાજકોટના અગ્નિકાંડમાં અધિકારીઓ તેમજ બેદરકાર રહેલા કર્મચારીઓની જવાબદારી નક્કી કરવા આખરે રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચના કરી છે. આ કમિટી તપાસ કરીને શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારને રિપોર્ટ સુપરત કરશે અને તેઓ 4 જુલાઇએ હાઇકોર્ટને આપશે.
ત્રણ અધિકારીની કમિટી તમામ પૂછપરછ કરશે.
ગુજરાત હાઇકોર્ટની ફટકાર અને આદેશ પ્રમાણે સરકારને આ કમિટી બનાવવાની ફરજ પડી છે. આ કમિટીમાં ત્રણ આઈએએસ અધિકારી મનીષા ચંદ્રા, પી. સ્વરૂપ અને રાજકુમાર બેનિવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણ અધિકારી રાજકોટના ગેમઝોનની ક્ષતિઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ દાખવેલી બેદરકારી અંગે ઘટના અંગે સંકળાયેલા તમામને પૂછપરછ માટે બોલાવશે.
તમામ અધિકારીઓને આ તપાસ કમિટી સમક્ષ હાજર રહેવું પડશે
રાજકોટની દુર્ઘટનામાં જે લોકોએ પોતાની જવાબદારી નિભાવી નથી અને ગેમઝોનને મંજૂરીઓ કે લાયસન્સ આપવામાં આંખ આડા કાન કર્યા છે તે તમામ અધિકારીઓને આ તપાસ કમિટી સમક્ષ હાજર રહેવું પડશે. મહત્વનું છે તે આ કમિટી સમક્ષ રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને પણ નિવેદન આપવા બોલાવે તેવી સંભાવના છે.
અગાઉ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી
આ ઉપરાંત ગેમઝોનના ઉદ્દઘાટન પ્રસંગે ગયેલા પૂર્વ આઈએએસ તેમજ પોલીસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવી શકે છે. આ કાંડની તપાસ કરવા માટે અગાઉ રાજ્ય સરકારે સિનિયર પોલીસ આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળ પાંચ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. આ સમિતિ સીટના સભ્યો પાસેથી પણ ડોક્યુમેન્ટ્સ મેળવી શકે છે.
કમિટીમાં ઉચ્ચ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવાશે
રાજકોટના ગેમઝોનની ભીષણ આગમાં 28 લોકો હોમાઈ ગયા છે. આ ઘટના પછી ગુજરાત હાઈકોર્ટ સુઓમોટો કરીને તપાસનો આદેશ કર્યો હતો. સીટ સમક્ષ જવાબદાર કર્મચારીઓ અને આરોપીઓ રજૂ થયેલા છે. પરંતુ તેમાં મોટા અધિકારીઓ પૂછપરછ માટે આવ્યા નથી તેથી અદાલતના કઠોર વલણને પગલે આ કમિટીમાં ઉચ્ચ અધિકારીઓને પૂછપરછ માટે અને નિવેદન આપવા બોલાવાશે.
રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ તપાસ કરી રહ્યું છે
કમિટીના આ ત્રણ સભ્યો શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારને 2 જુલાઈ સુધીમાં તેમનો તપાસ અહેવાલ સુપરત કરશે, જયારે અશ્વિનીકુમાર 4 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ રિપોર્ટ રજૂ કરશે. આ દુખદ ઘટનાની તપાસ રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં કુલ 10ની ધરપકડ થઈ છે
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 10ની ધરપકડ થઈ છે. એક તબક્કે સીટના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે અમે ફાયર વિભાગની કાર્યક્ષમતા, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોની કામગીરી, જનરલ ડેવલોપમેન્ટ ઓથોરીટીના નિયમોનું પાલન થયું છે કે નહિ તેની પણ તપાસ કરી છે. સીટ સમક્ષ હજી પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ આવ્યા નહિ હોવાના અહેવાલ છે.