બોરસદ શહેરના ભોભાફળી વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ પાછળ કચરાના ઢગલામાંથી મંગળવારે બે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) યુનિટ મળી આવ્યા હતા. બોરસદ તાલુકાના અમિયાદ ગામની પેટાચૂંટણીમાં 6 વર્ષ પૂર્વે આ ઈવીએમ યુનિટ ઉપયોગમાં લેવાયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ ઈવીએમ યુનિટ કચરાના ઢગમાં જોવા મળતા સરકારી તંત્ર દોડતું થયું હતું.
ઈવીએમ યુનિટ કચરાના ઢગલામાંથી મળતા અનેક તર્ક-વિતર્ક
અમિયાદ ગામમાં પંચાયતના વોર્ડની વર્ષ 2018માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ બંને ઉમેદવારોના નામ ધરાવતા ઈવીએમના બે યુનિટ જે-તે સમયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. જો કે પેટાચૂંટણી યોજયાને 6 વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ પેટા ચૂંટણીમાં વપરાયેલા ઈવીએમ યુનિટ તારીખ 2 જુલાઈ 2024ના રોજ બોરસદ શહેરના શાકમાર્કેટ પાછળથી કચરાના ઢગલામાંથી મળી આવતા અનેક તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. બીજી તરફ કચરાનાં ઢગમાં ઈવીએમ યુનિટ પડ્યા હોવાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરતા બોરસદના પ્રાંત અધિકારી, મામલતદાર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ તુરંત જ બોરસદ શાકમાર્કેટ પાછળ પહોંચી ગયા હતા અને ઘટના સ્થળેથી બે ઈવીએમ યુનિટ સહિત અન્ય સામગ્રી મેળવી સ્થળ પંચક્યાસ કર્યો હતો.
પીઆઈને તપાસ કરી રીપોર્ટ આપવા સૂચના આપી
ઈવીએમ યુનિટ જેવી અત્યંત મહત્વની ચૂંટણીલક્ષી સામગ્રી આ રીતે કચરાનાં ઢગમાંથી બિનવારસી મળતા વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બોરસદ ખાતે કચરાંના ઢગમાંથી મળેલા બે બેલેટ યુનિટ 2018ની અમિયાદ ગ્રામ પંચાયત પૈટા ચૂંટણીના કામે વોર્ડ નં.9માં વપરાયા હતા. આ સમગ્ર મામલે કલેક્ટરે તપાસના આદેશ કરતા બોરસદ પ્રાંત અધિકારીએ બંને બેલેટ યુનિટ કબ્જે લઈ બોરસદ શહેરના પીઆઈને તપાસ કરી રીપોર્ટ આપવા સૂચના આપી હતી. સાથે સાથે જિલ્લા કલેક્ટરે ચૂંટણી વખતે ફરજ પરના અધિકારી અને કર્મચારીની વિગતો લઈ તેમને કારણદર્શક નોટિસ પાઠવી ઉચ્ચકક્ષાએ રીપોર્ટ કર્યો હતો.