લોકસભા 2024ની ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન ચાલુ છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકોને મત આપવા અપીલ કરી છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ લખી હતી અને લોકોને ઘરની બહાર નીકળીને મત આપવા અપીલ કરી હતી.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
રાયબરેલીના ઉમેદાવાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ‘આજે મતદાનનો પાંચમો તબક્કો છે. પ્રથમ ચાર તબક્કામાં જ સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો બંધારણ અને લોકશાહીની સુરક્ષા માટે ઉભા થયા છે અને ભાજપને પરાજિત કરી રહ્યા છે. નફરતના રાજકારણથી કંટાળીને આ દેશ હવે છે પોતાના મુદ્દાઓ પર મતદાન કરી રહ્યો છે. યુવાનો નોકરી માટે, ખેડૂતો MSP અને દેવામાંથી મુક્તિ માટે, મહિલાઓ આર્થિક નિર્ભરતા અને સુરક્ષા માટે અને શ્રમિકો વાજબી વેતન માટે મતદાન કરી રહ્યા છે.’
‘ભારતની પ્રગતિ માટે ઘરની બહાર નીકળો’
આ ઉપરાંત કોંગ્રસના પૂર્વ અધ્યક્ષે વધુમાં લખ્યું છે કે, ‘લોકો પોતે I.N.D.I.A.ની સાથે મળીને આ ચૂંટણી લડી રહ્યા છે અને દેશભરમાં પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. હું અમેઠી અને રાયબરેલી સહિત સમગ્ર દેશને અપીલ કરું છું કે તેઓ મોટી સંખ્યામાં બહાર આવે અને તેમના પરિવારની સમૃદ્ધિ, પોતાના અધિકારો અને ભારતની પ્રગતિ માટે મતદાન કરે.’
પ્રિયંકા ગાંધીએ પણ લોકોને વિનંતી કરી
બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે, ‘તમારા એક વોટથી ગરીબ પરિવારની મહિલાના ખાતામાં વાર્ષિક એક લાખ રૂપિયા આવશે. દરેક નાગરિકને 25 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે. યુવાનોને 30 લાખ સરકારી નોકરીઓ મળશે. યુવાનોને વાર્ષિક 1 લાખ રૂપિયાની એપ્રેન્ટિસશિપ મળશે. SC/ST/OBCને યોગ્ય ભાગીદારી મળશે. તમારો એક મત દેશની લોકશાહી અને બંધારણની રક્ષા કરશે. તેથી તમામ દેશવાસીઓને વધુમાં વધુ મતદાન કરવા અપીલ છે. તમારો એક મત દેશને મોંઘવારી, બેરોજગારી અને આર્થિક સંકટમાંથી મુક્ત કરશે અને દેશને મજબૂત કરશે.’