ભાવનગર : સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલાં ત્રિ-દિવસીય હનુમાન જયંતિ મહામહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ હતી. આજે હનુમાન જયંતીના પર્વે વ્હેલી સવારથી જ દર્શનાર્થે ભક્તોનો ઘોડાપૂર ઉમટયો હતો.
કષ્ટભંજનદેવને રાજોપચાર પૂજન અને કેરીના અન્નકૂટ ધરાવાયા બાદ સોમવારે સાંજે મંદિર પરિસરમાં આવેલી ૫૪ ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પર સૌપ્રથમ વખત પાંચ હજાર કિલો પુષ્પોની વર્ષા કરવામાં આવતા દિવ્ય વાતાવરણ સર્જાયું હતુ. ઉપરાંત સંપ્રદાયના સંતો, ભક્તો, યજમાન સહિતનાની હાજરીમાં અનેક પ્રકારની અગ્નિઓથી પ્રતિમાનું પૂજન તથા મહાઆરતી કરવામાં આવી હતી. જયારે, મહોત્સવના આજે ત્રીજા દિવસે હનુમાન જયંતીના પાવન પર્વે મંદિર અને પરિસરમાં સવારથી જ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સવારે પાંચ કલાકે મંગળા આરતી, ૭ કલાકે શણગાર આરતી સાથે ૨૫૦ કિલો કેક કાપી કષ્ટભંજનદેવના જન્મદિવસની અનન્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન સમૂહ મારૂતિ યજ્ઞા યોજાયો હતો.
જેમાં ૧૦૦૦ થી વધુ લોકો ભાગ લીધો હતો. આ ઉપરાંત, જન્મદિવસ પ્રસંગે કષ્ટભંજનદેવને સુવર્ણ વાઘા તેમજ ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.અને મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો,૫ાંચ હજાર કિલો હજારીગલના ફૂલોથી સમગ્ર મંદિરને પણ નવોઢાની જેમ શણગારવામાં આવ્યું હતું.આજના પાવન પર્વે વ્હેલી સવારથી જ ભક્તોનો ઘોેડાપૂર દર્શનાર્થે ઉમટી પડયો હતો. અહીં પધારેલાં લાખો ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દાદાના મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. આ તકે, રાજ્યના મુખ્યમંત્રી પણ હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહાઅન્નકૂટની આરતીમાં સહભાગી થયા હતા.જયારે,સાંજે પાંચ કલાકથી લાઈટ-લેસર શો યોજાયો હતો. જેણે ભારે આકર્ષણ સર્જયું હતું. તો,સાંજે ૭ કલાકે મહાસંધ્યા આરતી યોજાઈ હતી. જેમાં સંતો અને ભક્તો જોડાયા હતા.