સખી મતદાન મથકો પર સ્ટાફ મહિલા કર્મચારીઓનો રહેશે
બોટાદ જિલ્લામાં 12 મતદાન મથકો કરશે નારી શક્તિનું પ્રતિનિધિત્વ
લોકતંત્રના મહાપર્વમાં મહિલા મતદારો, યુવા મતદારો, દિવ્યાંગ મતદારો વધુમાં વધુ સહભાગી બને અને લોકશાહીનું મહાપર્વ ઉજવે તે હેતુથી ચૂંટણી પંચ વિવિધ થીમ બેઈઝ મતદાન મથકોને પ્રાધાન્ય આપી રહ્યું છે. તે મુજબ આ વખતે પણ લોકસભાની ચૂંટણીને લઈને વિવિધ મતદાન મથકો તૈયાર કરવામાં આવનાર છે. તેમ વિશ્વસનીય વર્તુળોએ જણાવ્યું હતું.
વર્તુળોના જણાવ્યા અનુસાર મહિલા મતદારોને વધુમાં વધુ મતદાન માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી જિલ્લાના ૭ વિધાનસભા મત વિભાગોમાં કુલ ૪૯ ‘સખી મતદાન મથકો’ ઊભા કરવામાં આવશે. મહિલા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય અને મતદાન મથક સુધી આવે તે હેતુથી છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણીમાં સખી મતદાન મથકો તૈયાર કરવામાં આવતા હોય છે. આ મતદાન મથકો પર ચૂંટણી ફરજ માટે જે સ્ટાફ તૈનાત થાય છે તેમાં મહિલા કર્મચારીઓ જ હોય છે. આ વખતે ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે આગામી તા. ૭ મેના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લામાં પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં ૭ સખી મતદાન મથક રહેશે એટલે કે મહુવા, તળાજા, ગારિયાધાર, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ સહિત ૭ વિધાનસભા મત વિભાગોમાં કુલ ૪૯ મતદાન મથકો સખી મતદાન મથકો હશે.
દરમિયાનમાં, બોટાદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ૧૨ મતદાન મથકો ‘નારી શક્તિ’ના પ્રતીક બનશે. આ મહિલા સંચાલિત મતદાન મથકમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ-૧ અને પોલીંગ ઓફિસર ઉપરાંત સુરક્ષા માટે પણ મહિલા અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. ચૂંટણી પ્રક્રિયાને સમાવેશી અને સહભાગી બનાવવા માટે ભારતના ચૂંટણી પંચનો આગવો અભિગમ રહ્યો છે. આ માટે ખાસ દરેક વિધાનસભા મત વિસ્તારમાં મહિલા મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. બોટાદ જિલ્લામાં બે વિધાનસભા મત વિસ્તાર આવેલા છે. જેમાં મહિલા સંચાલિત કુલ ૧૨ મતદાન મથકો તૈયાર કરાશે.
7 વિધાનસભા મત વિભાગમાં 7 પીડબલ્યુડી મતદાન મથક રહેશે
દરેક વિધાનસભા મત વિભાગમાં ૧-૧ લેખે ૭ મતદાન મથક દિવ્યાંગ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સંચાલિત હશે. જેમાં મહુવા વિધાનસભા મતવિભાગમાં મહુવામાં જે.પી. પારેખ હાઈસ્કૂલના રૂમ નં.૨માં (૧૨૭-મહુવા-૩૩), તળાજા વિધાનસભા મતવિભાગમાં તળાજામાં દિનદયાળનગર પ્રાઈમરી સ્કૂલ, સાઉથ સાઈડ રૂમ નં.૧ (૧૨૦-તળાજા-૫), ગારિયાધાર વિધાનસભા મત વિભાગમાં ગારિયાધારમાં ન્યુ પ્રાઈમરી સ્કૂલ, વાવ પ્લોટ, ઈસ્ટ સાઈડ, રૂમ નં.૧ (૧૧૦-ગારિયાધાર-૨૦), પાલિતાણા વિધાનસભા મતવિભાગમાં પાલિતાણામાં ઓવનબ્રીજ પાસે દિગમ્બર ધર્મશાળામાં (૨૫૮-પાલિતાણા-૨), ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિભાગમાં સિહોરમાં પ્રગટનાથ મહાદેવ રોડ પર (૧૯૪-સિહોર-૧૫), ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિભાગમાં હિલડ્રાઈવમાં એસબીઆઈ સ્વાગત કક્ષ (૨૧૬-ભાવનગર-૧૯૩) અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિભાગમાં પરિમલ ચોક દક્ષિણામૂર્તિ હાઈસ્કૂલ રૂમ નં.૨માં (૨૮-ભાવનગર-૧૦) મતદાન મથકોનો સમાવેશ થાય છે.
જિલ્લામાં યુવા કર્મીઓ દ્વારા સંચાલિત 1 બૂથ ભાવનગર પૂર્વમાં રહેશે
લોકસભા ચૂંટણીમાં જિલ્લામાં એક મતદાન મથક એવું હશે જેમાં ફરજ પર તૈનાત તમામ કર્મચારીઓ યુવાન હશે. યુવા કર્મચારીઓ સંચાલિત આ મતદાન મથક ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિભાગમાં તળાજા રોડ પર કાળિયાબીડ સ્થિત એકતા હાઈસ્કૂલ કેમ્પસમાં આર.એન. શાહ સ્કૂલમાં રૂમ નં.૨ ખાતે મતદાન મથક (૨૪૭-ભાવનગર-૨૨૪) રહેશે.