નવલખી કંપાઉન્ડ નજીક કોર્પોરેશન અને વન ખાતા દ્વારા દેશનો પ્રથમ ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનો પ્રોજેકટ વર્ષ 2008માં શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ તે સમગ્ર પ્રોજેકટ સરકાર સાથેના સંકલનના અભાવના કારણે ઘૂળધાણી કરી દેવામાં આવ્યો છે. જેથી મગરો પણ વિશ્વામિત્રીના પાણીની સાથે સાથે બહાર સોસાયટી વિસ્તારમાં લટાર મારવા નીકળી પડે છે. શહેરની મઘ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને સાબરમતીની જેમ રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયના મેયર અને હાલના વિધાનસભાના દંડક બાળુ શુકલએ માટીના પાળા બનાવવાની શરૂઆત કરી હતી અને તે સમયે વિશ્વામિત્રીમાં મગરોની વઘુ સંખ્યા હોવાથી વિશ્વામિત્રીમાં જેસીબી અને બુલડોઝર ઉતારવામાં આવતા હોવાથી જળચર પ્રાણીને નુકસાન થતુ હતું જેથી પર્યાવરણવિદોએ વિરોધ કર્યો હતો અને સમગ્ર મામલો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સુધી પહોંચ્યો હતો.
મગરો માટે સુરક્ષિત જગ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો
આ જળચર પ્રાણીઓનો પ્રશ્ન સર્જાતા ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાં દેણાથી વડસર સુધીના વિસ્તારમાં વસતા મગરોને એકજ સ્થળે સાથે રાખી ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનું નક્કી થયું હતું જેથી મગરો માટેની સુરક્ષિત જગ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં નવલખી મેદાન પાછળનો વિશ્વામિત્રીના કિનારા પાસેની 60 એકર ખુલ્લી જગ્યામાં બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોજેકટ ધીમી ગતિએ શરૂ થયો હતો તે બાદ કમિશનર પદે એચ.એસ. પટેલની નિયુક્તિ થઇ તેઓએ રાજમહેલની યુએલસીમાં ખુલ્લી થયેલી 60 એકર જમીન હાઉસિંગ માટે હતી પરંતુ નદી કિનારાની જગ્યા હોવાથી હાઉસિંગ માટે ખાડા ટેકરાને કારણે જે જગ્યા પર હાઉસિંગની સ્કીમ થઇ શકે તેમ ન હતી જેથી તત્કાલીન કમિશનર એચ.એસ. પટેલે સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની મંજૂરી લઇ આ જમીન પર ક્રોકોડાઇલ પાર્ક બનાવવા માટે વન ખાતાને જવાબદારી સોપવાનું નક્કી કર્યું હતું અને આ જમીન વન ખાતાને સોપવા અંગેની પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્યારબાદ વન ખાતાએ ક્રોકોડાઇલ પાર્ક માટે ફેન્સિગ કરવા રૂા. 5 કરોડની માતબર રકમ ફાળવી હતી અને ફેન્સિગ કરવામાં આવી હતી.
સમગ્ર પ્રોજેકટ અભરાઇ પર ચડી ગયો
કોર્પોરેશન દ્વારા આ કામગીરી અને રાજ્યના મહેસૂલ વિભાગ સુધી સમગ્ર મંજૂરી લેવામાં આવી હતી. દરમ્યાનમાં ઓડિટ વિભાગ દ્વારા આ જમીન કોર્પોરેશન અને વન ખાતાને ફાળવી છે. તેના બદલામાં જમીન કિંમત લેવામાં આવી છે કે કેમ? તે અંગેનો ખુલાસો જિલ્લા કલેકટરને કરવામાં આવ્યો હતો જેથી તેનો યોગ્ય રીતે ખુલાસો નહીં થતા સમગ્ર પ્રોજેકટ બે વિભાગ વચ્ચેના સંકલનના અભાવે અભરાઇ પર ચડી ગયો છે.
જમીન તબદીલની રકમના વિવાદને કારણે ક્રોકોડાઇલ પાર્ક અભરાઇ પર
વહીવટી તંત્ર વચ્ચેના સંકલનના અભાવે ક્રોકોડાઇલ પાર્ક અભરાઇ પર ચડાવી દેવામાં આવ્યો છે. સરકારના ધારાધોરણ મુજબ એક વિભાગમાંથી બીજા વિભાગને જમીન તબદીલ કરવાની હોય તો તે જમીનની રકમ સરકારે લેવાની હોતી નથી તેમ છતાં ઓડિટ વિભાગે જમીનની કિંમત અંગે વાંધો લીધો હતો જેથી આજે વર્ષો પછી પણ ક્રોકોડાઇલ પાર્કની જમીન અંગેનો વિવાદ યથાવત રહ્યો છે.
ઓડિટ વિભાગે વાંધો લીધો ત્યારથી સમગ્ર પ્રોજેકટ ઠપ પડ્યો
વિશ્વામિત્રી નદી કિનારે નવલખી કંપાઉન્ડને અડીને આવેલી જમીન પર ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ જમીનની રકમ અંગેનો ઓડિટ વિભાગે વાંધો લીધો ત્યારથી સમગ્ર પ્રોજેકટ ઠપ પડ્યો છે. અગાઉ આ જમીન અંગેની મહેસૂલ વિભાગની પણ મંજૂરી લેવામાં આવી હતી તેમ છતાં જમીનની કિંમત અંગે ઓડિટ વિભાગના વાંધાને કારણે આજે પણ વિવાદ રહેલો છે.
સયાજીરાવના સમયથી રાજમહેલમાં ક્રોકોડાઇલ પોન્ડ હતુ
સયાજીરાવ ગાયકવાડના સમયથી રાજમહેલ કંપાઉન્ડમાં ક્રોકોડાઇલ પોન્ડ હતું જેમાં મગરો રાખવામાં આવતા હતા અને તેને ટ્રેનીંગ પણ આપવામાં આવતી હતી. જે મગરનું નામ બોલે તે મગર તળાવના કિનારે બહાર આવતા અને જે વ્યક્તિ મગરના રિંગ માસ્ટર હતા તે કિનારે આવેલા મગરને ખાવાનું ખવડાવી તળાવમાં પરત જવા સૂચના આપતા હતા.આઝાદી સમયે રાજ્યોના વિલીનીકરણ થઇ ગયા બાદ ક્રોકોડાઇલ પોન્ડમાં રાખેલા મગરોની દેખભાળ કરવાનું રાજવી પરિવાર માટે મુશ્કેલ બન્યુ હતું. જેથી તે મગરોને વિશ્વામિત્રી નદીમાં રાખવાની વ્યવસ્થા કરી હતી જેથી ધીરે ધીરે મગરો છેક દેણા ગામ સુધી અને વડસર સુધી પરિવારને રહેવા વસવાટના ગોખ બનાવવા માંડ્યા હતા. જેથી આજે વિશ્વામિત્રી નદીમાં અંદાજે 500 થી વઘુ મગર વસવાટ કરતા થઇ ગયા છે.
ક્રોકોડાઇલ પાર્ક માટે 60 એકર જમીન ફાળવવામાં આવી હતી
રાજમહેલ નવલખી કંપાઉન્ડ કૃત્રિમ તળાવ પાછળ ક્રોકોડાઇલ પાર્ક માટે ૬૦ એકર જમીન ફાળવવામાં આવી હતી જ્યાં દેશનું પ્રથમ ક્રોકોડાઇલ કન્ઝર્વેશન સેન્ટર બનાવવાનું આયોજન હતું. વિશ્વામિત્રી નદીના દેણા ગામથી લઇને વડસર સુધીના વિસ્તારમાં અનેક સલામત જગ્યાએ મગરોએ પોતાના વસવાટ બનાવ્યા છે. ખાસ કરીને સયાજીબાગ મ્યુનિસિપલ કમિશનરના બંગલાથી લઇને છેક પ્લેનેટોરીયમ સુધીના વિસ્તારમાં મગરોના વસવાટ આવેલા છે. તે બાદ ભીમનાથ બ્રિજ પાસે અને વડસર બ્રિજની આસપાસ પણ મગરો ગોખ બનાવી વસવાટ કરી રહ્યા છે એ સ્થિતિને ઘ્યાનમાં રાખી આ સમગ્ર વિસ્તારમાં વસવાટ કરતા મગરોનું ક્રોકોડાઇલ કન્ઝર્વેશન સેન્ટર બનાવવાનું નક્કી થયું હતું.