બેટર-વિકેટકીપર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકરની ધરપકડ કરવામાં આવી છે. ધોનીએ દિવાકર વિરુદ્ધ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે મિહિર દિવાકરે ક્રિકેટ એકેડમી શરૂ કરી હતી અને તેના માટે ધોનીના નામનો દુરુપયોગ કર્યો હતો.
ધોનીના નામનો દુરુપયોગ કરીને ખોલી એકેડમી
ધોનીની ફરિયાદ બાદ મિહિર વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 420, 467, 468, 471 અને 120B અંતર્ગત આર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વિરુદ્ધ રાંચી જિલ્લા કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્ય દાસ આ કંપનીના ડિરેક્ટર છે. જયપુરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે ધોનીના નામનો દુરુપયોગ કરવા બદલ જયપુર પોલીસે દિવાકરની અટકાયત કરી છે. એમએસ ધોનીએ 15 ઓગસ્ટ 2021ના રોજ આર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની સાથેના સંબંધોનો અંત લાવ્યો હતો.
શું છે આખો મામલો?
વર્ષ 2017માં મિહિર દિવાકરે ધોની સાથે ક્રિકેટ એકેડમી ખોલવા માટે કરાર કાર્ય હતા. જો કે દિવાકરે કરારમાં દર્શાવેલી શરતોનું પાલન કર્યું ન હતું. આ કરાર હેઠળ, નફો વહેંચવાનો હતો, પરંતુ કરારના તમામ નિયમો અને શરતોનો ભંગ કરવામાં આવ્યો હતો. જેથી ધોનીએ મિહિર અને તેની કંપની પાસેથી તમામ અધિકારો છીનવી લીધા હતા. તેમ છતાં મિહિર દિવાકરે ધોનીના નામનો ઉપયોગ કરીને દેશમાં તેમજ વિદેશમાં પણ ઘણી ક્રિકેટ એકેડમી ખોલી છે. આ રીતે તેણે ધોનીના નામે લગભગ 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.