ગાંધીનગર ઇન્દિરા બ્રિજ હાઇવે ઉપર
ઉછળીને ચાલક નીચે પડતા ગંભીર ઇજાઓને કારણે મોત થયું : ઇન્ફોસિટી પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો દાખલ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ઇન્દિરા બ્રિજ હાઇવે ઉપર નભોઈ નર્મદા કેનાલ પાસે આજે સવારના સમયે પસાર થઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીને પાછળથી કાર ચાલકે ટક્કર મારતા ચાલાક ઉછળીને નીચે પટકાયા હતા અને શરીરે ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
ગાંધીનગર શહેર નજીક ભાટ સર્કલ ઉપર બની રહેલા ઓવરબ્રિજ બનાવનાર કંપનીમાં ટ્રેક્ટર ડ્રાઇવર તરીકે દસકોઈ તાલુકાના વીરાવતની મુવાડી ગામના વતની જવાનજી આતાજી ઝાલા કામ કરતા હતા. આજે નિત્યક્રમ મુજબ તેઓ કોબા સર્કલથી ટ્રેક્ટર લઈને ભાટ સર્કલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન નભોઈ નર્મદા કેનાલ ઉપર પૂરઝડપે જઈ રહેલા કાર ચાલકે પાછળથી તેમના ટ્રેક્ટરની ટ્રોલીને ટક્કર મારી હતી અને આ અકસ્માતની ઘટનામાં ડ્રાઇવર જવાનજી સીટમાંથી ઉછડીને રોડ ઉપર નીચે પટકાયા હતા.
જેના કારણે તેમના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ અકસ્માતની ઘટનાને પગલે અહીં કામ કરતા અન્ય કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને ઘાયલ જવાનજીને તાત્કાલિક સારવાર માટે કુડાસણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે શરીરે ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલા જવાનજીનું મોત થયું હતું. જેથી અકસ્માતની આ ઘટના અંગે તેમના પુત્ર નરેશ ઝાલાની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા કાર ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.