પોલીસ કમિશનરનું જાહેરનામું છતાં રિક્ષામાં ડ્રાઇવરનું નામ નંબર લખતા નથી
અંધારામાં અવાવરું ગલીમાં રિક્ષા ઉભી રાખી માર મારીને લૂંટ ચલાવી
પૂર્વ વિસ્તારમાં શટલ રિક્ષા ચાલકો દ્વારા પેસેન્જરને બેસાડીને માર મારી લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. આવા બનાવો રોકવા તથા આરોપીઓ પકડાય માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં રિક્ષા ચાલકની સીટ પાછળ રિક્ષા ચાલકનું નામ સરનામું, રિક્ષા નંબર અને મોબાઇલ નંબર લખવાનો હતો પરંતુ રિક્ષા ચાલકો આ જાહેરનાનો ભંગ કરી રહ્યા છે. ચોરી તથા લૂંટને અંજામ આપી રહ્યા છે. નરોડામાં ગઇકાલે રાતે શ્રમજીવી યુવક રિક્ષામાં બેસીને જતો હતો તો રિક્ષા ચાલકે અવાવરું ગલીમાં અંધારામાં રિક્ષા રોકી હતી અને યુવકને માર મારી પગારના રૃા. ૪૦૦૦ લૂંટી લીધા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવક નરોડા પાટિયા હોસ્પિટલમાંથી પગાર લઇને શટલ રિક્ષામાં બેઠો તો અંધારામાં અવાવરું ગલીમાં રિક્ષા ઉભી રાખી માર મારીને લૂંટ ચલાવી
વિરાટનગરમાં હિરાનગરની ચાલીમાં રહેતા અને અગાઉ નરોડા પાટીયા પાસેની હોસ્પિટલમાં નોકરી કરતા ભાવિકભાઇ નગીનભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬)એ નરોડા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત અજાણવ્બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકે અઠવાડિયા પહેલા પહેલા હોસ્પિટલની નોકરી છોડી દીધી હતી. જેથી બાકી નીકળતા પગારના રૃા. ૪૦૦૦ લઇને શટલ રિક્ષામાં બેસીને ઘરે જઇ રહ્યા હતા. ગઇકાલે રાતે રિક્ષા ચાલકે રિક્ષા નરોડા પાટિયાથી અંધારામાં અવાવરુ ગલીમાં ઉભી રાખી હતી.
જ્યાં રિક્ષામાં અગાઉથી પાછળ બેઠેલા શખ્સ અને રિક્ષા ચાલકને યુવકને ગાળો બોલીને માર મારવા લાગ્યા હતા. યુવક કંઇ વિચારે તે પહેલા તેની પાસેના પગારના રૃા. ૪૦૦૦ લૂટી લીધા હતા અને યુવકને નીચે ઉતારીને રિક્ષા લઇને નાસી ગયા હતા. યુવકે પીછો કર્યો હતો પરતું લૂંટારુ અંધારામાં રિક્ષા પૂર ઝડપે દોડાવીને નાસી ગયા હતા. આ ઘટના અંગે નરોડા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.