જામનગરમાં રહેતા નિવૃત્ત ડી.વાય.એસ.પી.ની પટેલ કોલોનીમાં આવેલી મિલ્કત પચાવી પાડવા અંગે પટેલ કોલોનીમાં જ રહેતા એક શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ અંગેનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
જામનગરમાં તેજ પ્રકાશ સોસાયટીમાં રહેતા નિવૃત્ત ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.૭પ) કે જેઓની વારસાગત માલિકીની ગીતા નિવાસ નામની મિલ્કત પટેલ કોલોની શેરી નં.૯ના છેડે શાંતિનગર શેરી નં.૩ વિસ્તારમાં આવેલી છે.
જે મકાન ફરિયાદી ધર્મેન્દ્રસિંહ જાડેજાને તેમના માતાના વારસાઈમાં મળેલી છે. પટેલ કોલોની શેરી નંબર ૯ના છેડે રહેતા ષિરાજસિંહ તખુભા જાડેજાએ પચાવી પાડવાના ઇરાદે ખાલી નહીં કરતા હોવાનું જણાવી તેઓએ જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અનુસંધાને અરજી કરી હતી.
જે અરજીમાં કલેકટર દ્વારા પોલીસ તપાસનો હુકમ થયો હતો, અને સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા જગ્યાનો સર્વે કરીને તેનો રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા પોલીસ વડા મારફતે જિલ્લા કલેકટર સમક્ષ મોકલાવામાં આવ્યો હતો.
જેમાં ઉપરોક્ત જગ્યાનો ગેરકાયદે કબજો હોવાનું તારણ નીકળ્યું હતું. જેના અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા આ ગેરકાયદે દબાણ સંબંધે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગે ગુનો નોંધવાનો જિલ્લા પોલીસવડાને હુકમ કરાયો હતો. આથી નિવૃત્ત ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ જાડેજા ની ફરિયાદ ના આધારે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ષિરાજસિંહ જાડેજા સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા આ પ્રકરણમાં તપાસનો દોર હાથમાં લેવાયો છે.