ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંભવિત યુદ્ધે ફરી એકવાર વિશ્વને નવી ચિંતામાં મૂકી દીધું છે. ઈરાને 1 એપ્રિલના રોજ સીરિયામાં તેના સૈન્ય અધિકારીઓના મૃત્યુનો બદલો લેવા શનિવારની રાત્રે અને રવિવારની વહેલી સવારે ઈઝરાયલ પર 300 થી વધુ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલો દ્વારા હુમલો કરી દીધો હતો. જોકે આ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં એક મુસ્લિમ દેશે પણ મોટી ભૂમિકા ભજવી હતી અને તેણે ઈઝરાયલને આ મિસાઇલોથી બચાવ્યો હતો.
ઈરાને ઉચ્ચારી ગંભીર ચેતવણી
જોકે, ઈઝરાયલે અમેરિકા, બ્રિટન અને પોતાની એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમની મદદથી 99 ટકા મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી. જ્યારે જમીન પર માત્ર 7 મિસાઇલો જ પડી હતી. આ દરમિયાન મોટો ખુલાસો એ થયો છે કે ઈરાનના હુમલાથી ઈઝરાયલને બચાવવામાં મુસ્લિમ દેશ જોર્ડને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોર્ડનની વાયુસેનાએ ઈઝરાયલની મદદ કરતા ઈરાનને મોટો ઝટકો આપ્યો હતો. જેનાથી ઈરાન ચોંકી ગયું. ગુસ્સામાં લાલઘૂમ ઈરાને હવે જોર્ડનને આવી હરકત કરવા બદલ ભયંકર પરિણામ ભોગવવાની ધમકી આપી છે.
ઈઝરાયલે કરી ઓપરેશન રિવેન્જની તૈયારી
ઈરાનના ઓપરેશન ટ્રુ પ્રોમિસના જવાબમાં ઈઝરાયલે હવે ઓપરેશન રિવેન્જ શરૂ કરવાની તૈયારી કરી છે. ઈઝરાયલને તેના દેશ પરના કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની આદત છે. હમાસના તાજેતરના આતંકવાદી હુમલાના જવાબમાં ઈઝરાયલની કાર્યવાહી દુનિયાની સામે છે. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઇઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીને સ્મશાનભૂમિમાં ફેરવી નાખી હતી. ગાઝા પટ્ટીમાં સત્તાવાર મૃત્યુઆંક 33 હજારને વટાવી ગયો છે. જોકે હવે ઈરાન પર ઈઝરાયલના પ્રકોપનો ખતરો જોવા મળી રહ્યો છે.
ઈઝરાયલ શું બોલ્યો?
જોકે, ઈઝરાયેલે હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવશે. પરંતુ, રવિવારે યુદ્ધ બેઠક બોલાવીને, ઇઝરાયેલે નિશ્ચિતપણે સંકેત આપ્યો કે તે આ હુમલાને હળવાશથી લેશે નહીં. ઈઝરાયેલે કહ્યું કે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોની મદદથી તેણે ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે પરંતુ યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી. યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે. અમેરિકાએ ઈઝરાયેલની ધમકી પર ચિંતા વ્યક્ત કરી છે.
જોર્ડનનું નિવેદન સામે આવ્યું…
ઈરાન સાથે સંભવિત યુદ્ધ વચ્ચે મુસ્લિમ દેશ જોર્ડન ઈઝરાયલની પડખે ઉભો છે. રવિવારે ઈરાની હુમલાના જવાબમાં જોર્ડને તેના ફાઈટર જેટ લોન્ચ કર્યા હતા. જોર્ડને ઇઝરાયલની મદદ કરતાં અનેક ઇરાની ડ્રોન અને મિસાઇલોને હવામાં તોડી પાડ્યા હતા. ઇઝરાયલે આ મદદ માટે જોર્ડનનો આભાર વ્યક્ત કર્યો છે. જોર્ડને એમ પણ કહ્યું કે હમાસ સાથે યુદ્ધની વચ્ચે ઈરાનની કાર્યવાહી ઉશ્કેરણીજનક છે. બીજી તરફ જોર્ડન આર્મીના પ્રવક્તા કર્નલ મહમૂદ અલ-સઈદે ઈરાનના હુમલાને ખોટો ગણાવ્યો અને કહ્યું કે અમારી એરફોર્સે જે બહાદુરીથી ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો તે પ્રશંસનીય છે. જોર્ડને સ્પષ્ટતા કરી હતી કે ઈરાનના હુમલા વિરુદ્ધ આ ઓપરેશનથી સાબિત થયું છે કે ધમકીઓનો જવાબ આપવામાં જોર્ડન કોઈથી પાછળ કે ઓછું નથી.