સુરતના પાડેસરામાં ડિસેમ્બર-2020માં માત્ર 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટોના ઘા મારી પાશવી હત્યા કરનારા આરોપી દિનેશ બૈસાણેને સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ગત 10 ડિસેમ્બરના રોજ એડિશનલ સેશન્સ જજ એ.એન.અંજારિયાએ આરોપી દિનેશને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. જ્યારે આજે આ કેસમાં સજા સંભળાવતાં દોષીને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં દસ જ દિવસમાં બાળકી પર રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની આ બીજી ઘટના છે. તે કેસમાં માત્ર અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

કોર્ટે ગંભીર નોંધ લીધી
સરકારી વકલી નયન સુખડવાલાએ કહ્યું હતું કે, આરોપીના ફોનમાંથી પોર્ન વીડિયો ક્લિપ પણ મળી આવી હતી. બાળકીના શરીર પરથી 49-49 જેટલા ઈજાના નિશાન પણ મળી આવ્યાં હતાં. કોર્ટે એ નોંધ્યું હતું કે, આરોપીએ બેરહેમીપૂર્વક દુષ્કર્મ ગુજારી હત્યા કરી છે. જેથી તેને દેહાંતદંડની સજા ફટકારવામાં આવે. બાળકીના નખ પણ નીકળી ગયાં હતાં. સુરતની કોર્ટે 10 દિવસમાં જ બીજા આરોપીને ફાંસીની સજા ફટકારી છે. જેનાથી દુષ્કર્મીઓમાં એક આકરો સંદેશો જશે અને આવા બનાવો બનતા જરૂર અટકશે અને આરોપીઓમાં ધાક બેસશે.
ગણતરીના જ દિવસોમાં ચાર્જશીટ, સ્પીડી ટ્રાયલ
હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ, ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામની તપાસ-ઉલટ તપાસ બાદ કોર્ટે તાબડતોબ ફાંસીની સજા સંભળાવી હતી.
બાળકીને વડાપાંઉની લાલચ આપી રેપ વિથ મર્ડર કર્યું
પાંડેસરા વિસ્તારની 10 વર્ષની બાળકી ગત 7-12-2020ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપી હતી અને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળાએ પ્રતિકાર કરી આરોપીના જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું. આરોપીએ ઉશ્કેરાઇ જઈને બાળકીને માથા પર ઈંટના ઉપરાછાપરી સાત ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતાં પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી