આઈસર મૂકી ભાગી ગયેલા ચાલક સામે ગુનો
મિત્રની બાઈક લઈ રતનપુર રોડ ઉપર ફાર્મમાં બહેનને મળવા જતા ભાઈનું મૃત્યુ
નડિયાદ : માતર તાલુકાના પુનાજ પાટિયા નજીક મોટરસાયકલને આઇસરે ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર આઇસરનો ચાલક સ્થળ પર આઇસર મૂકી નાસી ગયો હતો. આ બનાવ અંગે લીંબાસી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
માતર તાલુકાના પુનાજમાં રહેતા હસનભાઈ અજીમભાઈ કુરેશીનો દીકરો મહમદ હુસેન કુરેશી તા.૨૦મીની સવારે મિત્રની મોટરસાયકલ લઈ રતનપુર રોડ ઉપર ફાર્મમાં રહેતી બહેનને મળવા જતો હતો.
દરમિયાન પુનાજ પાટીયા નજીક મોગલ માતાજીના મંદિર નજીક સામેથી પૂરઝડપે આવેલી આઇસરે મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકને રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી.
અકસ્માત બાદ આઈસર ચાલક સ્થળ પર આઈસર મૂકી નાસી ગયો હતો.
અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો મારફતે તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મેડિકલ ઓફિસરે ગંભીર રીતે ઘવાયેલા મહમદ હુસેન કુરેશી (ઉં.વ.૧૯)ને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવ અંગે હસનભાઈ અજીમભાઈ કુરેશીની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.