ગેલેરિયા ચેક પોસ્ટ નજીક બરવાળા પોલીસે વોચ ગોઠવી હતી
૯ ભેંસને સાચવણી માટે બરવાળા પાંજરાપોળને સુપ્રત : ટ્રક કબ્જે, બે શખ્સની ધરપકડ
ભાવનગર: બરવાળા-ધંધુકા રોડ પર ગેલેરિયા ચેક પોસ્ટ નજીક વોચમાં રહેલી બરવાળા પોલીસે ઘાંસચારા વિના ઠાંસીઠાંસીને ભરેલી ૯ ભેંસ સાથેનો ટ્રક ઝડપી લીધો હતો. ૯ ભેંસને સાચવણી માટે બરવાળા પાંજરાપોળને સુપ્રત કરાઈ હતી જ્યારે ટ્રક પોલીસે કબ્જે લીધો હતો. આ પ્રકરણમાં બે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર બરવાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ કરણસિંહ ચાવડા ફરજ પર હતા ત્યારે બરવાળા પોલીસ સ્ટેશનની બન્ને સરકારી મોબાઈલ ગેલેરિયા ચેકપોસ્ટ ખાતે આવેલ હતી અને જણાવેલ કે, ઉપરી અધિકારી તરફથી ચોક્કસ બાતમી મળેલ હોય કે વલ્લભીપુર તરફથી ધંધુકા તરફ ટ્રક નં.જીજે-૦૧-એચટી-૯૮૪૧માં ગેરકાયદે પશુઓ ભરી કતલખાને લઈ જાય છે. જે હકીકત આધારે ગેલેરિયા ચોક પોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી દરમિયાનમાં, ટ્રક નિકળતા તેમાંથી ભેંસો ટૂંકા દોરડાથી દયનીય રીતે બાંધેલ હાલતમાં જોવામાં આવી હતી.
ટ્રકમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહોતી. આ ૯ ભેંસને સાચવણી માટે પોલીસે બરવાળા પાંજરાપોળ ખાતે સુપ્રત કરી હતી અને ટ્રક કબ્જે કબ્જે લીધો હતો. પોલીસે અમરેલી જિલ્લાના ચીતલ ગામના દિનેશભાઈ બચુભાઈ વાળા, વિપુલભાઈ ભલાભાઈ વાળા વિરૂદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં પ્રાણીઓની સાચવણી અંગેના અધિનિયમ તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરી બન્નેની ધરપકડ કરી હતી.