ટ્રાફિક પોલીસે ડીટેઈન કરેલી બાઈક ૧૦ દિવસ સુધી છોડાવા ન આવતા શંકા ગઈ
ઈ-ગુજકોપ મારફતે તપાસ કરતા બાઈકનું આરટીઓ રજિસ્ટ્રેશન પણ થયેલું ન હોવાનું ખુલ્યું
ભાવનગર: બોટાદમાં ટ્રાફિક પોલીસે ફેન્સી નંબર પ્લેટવાળી બાઈક ડીટેઈન કર્યા બાદ તપાસ કરતા પોતાના અંગત ફાયદા માટે અન્ય વાહનના નંબરની ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો હોવાનું બહાર આવતા શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ શહેરમાં અનઅધિકૃત પાર્કિંગ, ટ્રાફિકજામની સમસ્યાની ફરિયાદો બાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગત તા.૨૮-૪ના રોજ ઝુંબેશ હાથ ધરી પાળિયાદ રોડ, રોકડિયા હનુમાનજી મંદિર પાસે કામગીરી શરૂ કરી હતી. ત્યારે હવેલી ચોક તરફથી આવી રહેલ એક ફેન્સી નંબર પ્લેટ નં.જીજે.૦૪.બીપી.૪૧૭૨ને રોકી તપાસ કરતા બાઈકચાલક શખ્સ સગરામ ભીખાભાઈ મીર (ઉ.વ.૨૩, રહે, વિજય સોસાયટી, ખારા વિસ્તાર) નામના શખ્સે આ બાઈક મેલાભાઈ પાંચાભાઈ ધાડવી (રહે, તલસાણા, તા.લખતર, જિ.સુરેન્દ્રનગર) પાસેથી રૂા.૨૦,૦૦૦માં વેચાણથી લીધી હતી અને બાઈકના કાગળો, આરસી બુક કે ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે ન હોવાથી ટ્રાફિક પોલીસે બાઈક ડીટેઈન કરી ટ્રાફિક શાખા ખાતે મુકી દીધી હતી. આ શખ્સે બાદમાં લાયસન્સ અને કાગળો દેખાડી બાઈક છોડાવી જવાની સ્વખુશી પણ દર્શાવી હતી.
પરંતુ ઘણાં દિવસ થવા છતાં વાહનમુક્ત કરાવવા ન આવતા પોલીસને શંકા ગઈ હતી અને ઈ-ગુજકોપ એપ્લીકેશન મારફત તપાસ કરતા આ બાઈકનું આરટીઓ રજિસ્ટ્રેશન થયેલું ન હતું. જેથી ટ્રાફિક પોલીસે બોટાદના પાળિયાદ રોડ પર આવેલ પટેલ મોર્ટસમાં જઈ માહિતી મેળવતા મેલાભાઈ ધાડવીએ બાઈક ખરીદી કરી તેનું સેરેન્દ્રનગર કચેરીમાં પાસીંગ કરાવવાનું હોવા છતાં રજિસ્ટ્રેશન કરાવ્યું ન હોવાની હકીકત જણાવી હતી. જ્યારે બાઈકનો નંબર પણ હિંમતભાઈ વાલજીભાઈ ગોહિલ (રહે, કણકોટ, તા.ઘોઘા)નો હોવાનું અને આ નંબર પ્લેટવાળી બાઈક તેમની પાસે જ હોવાની વિગત જાણવા મળી હતી. જેથી સગરામ મીર નામના શખ્સે પોતાના અંગત ફાયદા માટે ખોટી નંબર પ્લેટ બનાવી તેની બાઈકમાં લગાવી સાચા તરીકે ઉપયોગ કરી ગુનો કર્યો હોય, આ શખ્સ સામે બોટાદ ટ્રાફિક પીએસઆઈ ટી.એસ. વાઘેલાએ આજે બોટાદ પોલીસમાં આઈપીસી ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.