૧૦ દિવસ પહેલાં પીએસઆઇ,પોલીસ ટીમ ઉપર હુમલો કરેલો
પોલીસે ત્રણની ધરપકડ કરી, બે મહિલા આરોપી ફરાર
બાપુનગર ટ્રાફિક પોલીસ ચોકી પાસે પેટ્રોલિંગ કરી રહેલી બાપુનગર પોલીસ સ્ટેશનની ટીમ ઉપર લૂખ્ખા તત્વોએ પથ્થરમારો કરીને વાહનોની તોડફોડ કરી હતી જેમાં એક પીએસઆઈને ઈજા પહોંચી હતી. આ બનાવમાં બાપુનગર પોલીસ ત્રણ અને વટવા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં બે મહિલા આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
વટવા પોલીસે બે આરોપી અને બાપુનગર પોલીસે ત્રણની ધરપકડ કરી, બે મહિલા આરોપી ફરાર
તા. ૨૭ માર્ચે રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ટ્રાફિક ચોકી પાસે કેટલાક શખ્સો ટોળામાં ઉભા હતા. જેથી પોલીસે લોકોને ઘરે જતાં રહેવાની વિંનંતી કરી હતી.તેમ છતાંય ઘરે જવાના બદલે પોલીસ સાથે ઘર્ષણ કરવા દોડી આવ્યા હતા. ટોળામાં ઉભેલા બે શખ્સો અચાનક જ પોલીસની ગાડી પર પથ્થરમારો કરવાનો શરૃ કરી દીધો હતો. ત્યારે કેટલાક લોકો પોલીસની સામે તલવાર લઈને દોડયા હતા અને ધમકી આપી હતી.
આ બનાવ અંગે બાપુનગર પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૃ કરી હતી. જેમાં વટવામાંથી રીઝવાન તથા અલ્માસને ઝડપી લઈને બાપુનગર પોલીસને સોપી દેવામાં આવ્યા છે જ્યારે મુખ્ય આરોપી ફઝલ,મહેફૂઝ,વાહીદને બાપુનગર પોલીસે ધરપકડ કરી હતી.ઉપરાંત ફરાર બે મહિલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.