નસવાડીના કવાંટ રોડ ઉપર બે સગા ભાઈની બાઈક સામસામે અથડાતા બંનેના સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યા હતાં. એક જ પરિવારના બે જુવાન પુત્રોના મોતને પગલે તેમના પરિવારજનોમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.
નસવાડી તાલુકાના સોડત ગામે રહેતાં સતનામસિંહ પરદેશીના બે પુત્રો શક્તિસિંહ (ઉં.વ.૧૯) અને સહદેવસિંહ (ઉં.વ.૧૭) મજૂરી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. ગઈકાલે સવારે બંને અલગ અલગ બાઈક પર કામથી નીકળ્યા હતાં. મોડીસાંજે ૮ વાગ્યાના અરસામાં મોટોભાઈ શક્તિસિંહ કંડવા ગામેથી તેનું કામ પતાવી પરત ઘરે જઈ રહ્યો હતો. ત્યારે નસવાડીના કવાંટ રોડ પરથી પસાર થતો હતો, ત્યારે સામેથી તેનો નાનોભાઈ સહદેવ પણ પૂરઝડપે બાઈક લઈને આવતો હતો. જે દરમિયાન બંને ભાઈની બાઈક સામસામે અથડાતાં બંને ભાઈ રોડ પર ફંગોળાયા હતાં. જેમાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
અકસ્માતના બનાવને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. તેમજ ઈજાગ્રસ્તોને તુરત નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયા હતાં.
જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંનેની હાલત નાજૂક જણાતાં બંનેને વડોદરા સયાજી હોસ્પિટલ રીફર કરાયા હતાં. જ્યાં આજે સવારે બંને ભાઈના મોત નિપજ્યા હતાં. જે બનાવ અંગે નસવાડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.