જર, જમીન , જોરૂ કજિયાના છોરું
રાત્રે ભાઇનું ગળું દબાવી દીધું, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી
આણંદ : બોરસદ તાલુકાના કસારી ગામે કાશીપુરા વિસ્તારમાં ગઈકાલ રાત્રીના સુમારે માતા પાસે રાખેલ સોના-ચાંદીના દાગીનાની વહેંચણી તેમજ જમીનના ભાગ બાબતે મોટા ભાઈએ નાના ભાઈનું ગળું દબાવી હત્યા કરી નાંથી હતી. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે મોટાભાઈ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડયો હતો.
કસારી ગામે કાશીપુરામાં રહેતા ૩૪ વર્ષીય સુરેશભાઈ બચુભાઈ પરમાર મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવતા હતા. ગઈકાલ રાત્રીના સુમારે તેમના મોટાભાઈ રમેશભાઈએ બહેનને ફોન કર્યો હતો અને માતા પાસે રાખેલ સોના-ચાંદીના દાગીના અપાવી દેવા જણાવ્યું હતું.
ફોન ઉપર આ વાતચીત ચાલતી હતી ત્યારે સુરેશભાઈએ મોટાભાઈને અત્યારે રાત્રે આવી વાતો કેમ કરે છે સવારે ફોન કરજે તેમ કહેતા મોટાભાઈ રમેશભાઈ ગુસ્સામાં લાલપીળા થઈ ગયા હતા અને તેઓએ પાછળથી આવીને સુરેશભાઈનું ગળું દબાવી દેતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
દરમ્યાન આ ઘટનાની જાણ બોરસદ શહેર પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે કરમસદ ખાતેની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નજીવી બાબતે મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી નાંખી છે. મૃતક સુરેશભાઈને એક પુત્ર અને એક પુત્રી છે. આ બનાવ અંગે પોલીસે રમેશભાઈ પરમાર વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીની મિનીટોમાં તેને ઝડપી પાડયો હતો.