ભાજપ (BJP) ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 75 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. ભાજપે તેના ક્વોટાની 75માંથી 73 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, પરંતુ પાર્ટીએ હજુ બે બેઠકો પર પત્તા ખોલ્યા નથી. આ બે બેઠકો રાયબરેલી અને કૈસરગંજ છે. 2019 માં કોંગ્રેસ અને ગાંધી પરિવારના ગઢ ગણાતા રાયબરેલીથી સોનિયા ગાંધી જીતીને સંસદમાં પહોંચ્યા હતા, જ્યારે કૈસરગંજથી ભાજપની ટિકિટ પર બ્રિજભૂષણ શરણ સિંહ સતત ત્રીજી વખત જીતવામાં સફળ રહ્યા હતા. જોકે એક હારેલી અને એક જીતેલી આ બે બેઠકો પર ભાજપના ઉમેદવારને લઈને હજુ સસ્પેન્સ યથાવત્ છે.
બ્રિજભૂષણ શું બોલ્યાં….?
આ બંને બેઠકો પર પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થવાનું છે. હવે કૈસરગંજ સીટ પરથી ઉમેદવારની જાહેરાત કરવામાં વિલંબને લઈને બ્રિજભૂષણનું નિવેદન પણ સામે આવ્યું છે. કૈસરગંજ સીટથી ત્રણ વખતના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું છે કે પાર્ટી નેતૃત્વ જાણે છે કે આ સીટ પર ભાજપ મજબૂત છે. તેમણે દાવો કર્યો હતો કે જો ભાજપ તેના ઉમેદવારની જાહેરાત એક દિવસ પહેલા કરે તો પણ પાર્ટી આ બેઠક પરથી જીતશે.
કહ્યું – હું ટિકિટનો દાવેદાર પણ…
બ્રિજભૂષણે એમ પણ કહ્યું કે હું પણ ટિકિટનો દાવેદાર છું પરંતુ અંતિમ નિર્ણય પાર્ટીએ લેવાનો છે. ઉમેદવાર કોણ હશે તે પક્ષ નક્કી કરશે. અગાઉ બ્રિજભૂષણે કહ્યું હતું કે ટિકિટમાં વિલંબ પાછળ પાર્ટીની કોઈ રણનીતિ હોઈ શકે છે. હું ભાજપથી મોટો નથી. ટિકિટ મળે કે ન મળે એ મારી ચિંતા નથી. ઉલ્લેખનીય છે કે અલગ-અલગ બેઠકો પરથી છ વખત સાંસદ રહી ચૂકેલા બ્રિજભૂષણ ટિકિટની જાહેરાતમાં વિલંબ થવા છતાં વિસ્તારમાં સક્રિય છે.
પત્તું કપાવાની અટકળો…
બ્રિજભૂષણની ટિકિટ કાપવાની અટકળો ચાલી રહી છે, પરંતુ એવી પણ ચર્ચા છે કે જો આમ થાય તો પણ ભાજપ બ્રિજભૂષણના પરિવારના કોઇ સભ્યને મેદાનમાં ઉતારી શકે છે. તેમના પુત્ર અને પત્નીના નામ પણ ભાજપમાંથી ટિકિટની રેસમાં હોવાનું કહેવાય છે. આ પહેલીવાર છે જ્યારે બ્રિજભૂષણને ટિકિટ માટે આટલી લાંબી રાહ જોવી પડી હોય. ભાજપે અત્યાર સુધીમાં 400 થી વધુ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ કૈસરગંજ સીટ પરથી કોઈ નામ ફાઈનલ નથી થયું.