સતત બીજા દિવસે શાકમાર્કેટ સહિતના વિસ્તારમાંથી દબાણ દુર કરાયા
અસ્થાયી પ્રકારના દબાણ હટાવ્યા, 26 લારી જપ્ત કરી : ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ 10 વાહનોને લોક કરી રૂ. 8 હજારનો દંડ વસુલ કર્યો
ભાવનગર શહેરમાંથી ગેરકાયદે નાના-મોટા દબાણ દુર કરવાની કામગીરી છેલ્લા ઘણા દિવસથી મહાપાલિકા દ્વારા કરવામાં આવે છે અને આ કામગીરી યથાવત રાખવામાં આવી છે, જેના ભાગરૂપે આજે બુધવારે મહાપાલિકાની ટીમે ૪૦થી વધુ નાના ગેરકાયદે દબાણ હટાવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો. મલ્ટીલેવલ ફોર વ્હીલર પાકગમાં પાર્ક કરેલ ૧૦૧ લારીઓને સીલ કરાતા ફફડાટ મચી જવા પામેલ છે. આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ કેટલીક રીક્ષાઓને લોક મારી દંડ વસુલવામાં આવ્યો હતો.
ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની સુચના અનુસાર આજે બુધવારે દબાણ સેલની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૪૦થી વધુ નાના ગેરકાયદે દબાણ હટાવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેમાં રૂપમ ચોક, શોક માર્કેટ તથા ગંગાજળીયા તળાવમાંથી અસ્થાયી પ્રકારના દબાણ દુર કર્યા હતા તેમજ શાકભાજી અને ફ્રૂટ સહિત ૨૬ લારી જપ્ત કરી હતી. આ ઉપરાંત ગંગાજળિયા તળાવ, મલ્ટીલેવલ ફોર વ્હીલર પાકગમાં પાર્ક કરેલ ૧૦૧ લારીઓને સીલ કરી હતી તેમજ નવાપરા, કાવેરી કોમ્પ્લેક્ષમાંથી ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ ૧૦ વાહનોને લોક કરી રૂ. ૮ હજારનો દંડ વસુલ કર્યો હતો. મહાપાલિકાએ આ વિસ્તારમાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
મહાપાલિકાની ટીમે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરતા દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી અને ગભરાટ ફેલાયો હતો. મહાપાલિકાએ દબાણ હટાવી રોડ ખુલ્લો કર્યો હતો. મહાપાલિકાની ટીમ દ્વારા રોજ દબાણ દુર કરવામાં આવે છે છતા ફરી દબાણ ખડકાય જાય છે ત્યારે દબાણ ન થાય તેવુ આયોજન મહાપાલિકાએ કરવુ જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. રોડ પર લારી-ગલ્લાના દબાણના પગલે વાહન ચાલકોને મૂશ્કેલી પડતી હોય છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આગામી દિવસોમાં પણ દબાણ દુર કરવાની કામગીરી યથાવત રહેશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.
મલ્ટીલેવલ પાર્કીંગના કોન્ટ્રાકટરને રૂ. 50 હજારનો દંડ ફટકારાશે
ભાવનગર મહાપાલિકાએ મલ્ટીલેવલ પાર્કીંગ બનાવ્યુ છે અને આ પાર્કીંગ હાલ કોન્ટ્રાકટરને નિયમ મુજબ ચલાવવા આપેલ છે, જેમાં મોટર સાયકલ, રીક્ષા અને મોટરકાર પાર્કીંગ કરવાનો નિયમ છે પરંતુ લારી-ગલ્લા મુકવાની મનાય છે છતા મલ્ટીલેવલ પાર્કિંગમાં ૧૦૧ લારી પડી હતી તેથી મહાપાલિકાએ લારીઓને સીલ કરી દીધી હતી. મલ્ટીલેવલ પાર્કિંગના કોન્ટ્રાકટર પાસેથી આશરે રૂ. પ૦ હજારનો દંડ વસુલવામાં આવશે અને દંડ નહીં ભરે તો આગળની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત લારીઓના માલિક પાસેથી પણ દંડ લેવાશે તેમ મહાપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવેલ છે.