દેશમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં પણ હાઈવે પર ભીષણ અકસ્માતની ઘટનાના અવારનવાર સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ગંભીર ઘટના મહારાષ્ટ્રમાં બની છે. રીક્ષા અને બસની ટક્કરમાં બે જવાનોના મોત થયા છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
રીક્ષામાં ડ્રાઈવર સહિત 9 લોકો સવાર હતા
મહારાષ્ટ્રના નાગપુરમાં ઓટો રીક્ષા અને બસ વચ્ચેની ભયાનક ટક્કર થતાં સેનાના બે જવાનોના મોત થયા છે. જ્યારે છ જવાનો સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત નાગપુરના કન્હાન બ્રિજ પર થયો હતો. ઓટો રીક્ષા અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં ઓટો રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ ઓટો રીક્ષામાં ડ્રાઈવર સહિત 9 લોકો સવાર હતા. કામઠીમાં ગાર્ડ રેજીમેન્ટ સેન્ટરના આઠ જવાનો ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે ઝડપથી આવતી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. હાલ નવી કામળી પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે.
રીક્ષા ચાલકની હાલત પણ નાજુક
આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં રીક્ષા ચાલકની હાલત પણ નાજુક છે. અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકો લોકોએ બસમાં તોડફોડ કરી હતી. અને નાગપુર-જબલપુર હાઈવે બ્લોક કરી દીધો. આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે હાલ પોલીસ અકસ્માત પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે નાગપુરમાં એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે રોડની બાજુએ ઉભેલા 6 લોકોને ઉલાળ્યા હતા.