મુંબઈ : માગ-પૂરવઠાના અંતરને ધ્યાનમાં રાખતા દેશમાં કઠોળના ભાવ ઓકટોબર સુધી ઊંચા રહેવાની શકયતા જોવાઈ રહી છે. ઓકટોબરમાં નવા પાકના આગમન બાદ ભાવમાં ઘટાડો જોવા મળવાની ટ્રેડરો ધારણાં મૂકી રહ્યા છે. કઠોળના ઊંચા ભાવને કારણે ખાધાખોરાકીનો ફુગાવો ઊંચો પ્રવર્તી રહ્યો છે.
તુવેર, ચણા તથા અડદના ઊંચા ભાવ સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ભાવને અંકૂશમાં રાખવાના પ્રયાસો છતાં તેને નીચા રાખી શકાયા નથી. એપ્રિલમાં કઠોળમાં ફુગાવો ૧૬.૮૦ ટકા જોવા મળ્યો હતો જેમાં તુવેરમાં ૩૧.૪૦ ટકા, ચણા ૧૪.૬૦ ટકા તથા અડદમાં ૧૪.૩૦ ટકા ફુગાવો રહ્યો હતો. ખાધાખોરાકીના ફુગાવામાં કઠોળનું વેઈટેજ ૬ ટકા છે, જ્યારે રિટેલ ફુગાવાની એકંદર ગણતરીમાં આ આંક ૨.૪૦ ટકા છે.
એપ્રિલમાં ખાધાખોરાકીનો ફુગાવો વધી ૮.૭૦ ટકા રહ્યો હતો. કઠોળનો નવો સ્ટોકસ ઓકટોબરથી આવવાનું શરૃ થાય છે અને સરકાર પાસે હાલમાં સ્ટોકસ નીચો હોવાથી તેને કારણે ભાવ પર દબાણ આવી શકે છે.
આગામી દિવસોમાં કઠોળના ભાવનો આધાર ચોમાસાની પ્રગતિ પર પણ રહેશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. ચોમાસાની સ્થિતિ પ્રતિકૂળ રહેશે તો કઠોળના ભાવ લાંબા સમય સુધી ઊંચા જોવા મળવાની સંભાવના નકારાતી નથી. તુવેર તથા અડદના નવા પાકની વાવણી ચોમાસાની શરૃઆત બાદ જૂન-જુલાઈથી શરૃ થશે.
નવા પાકની લણણીની કામગીરી ઓકટોબરથી શરૃ થાય છે. હાલમાં જ સમાપ્ત થયેલી ઉનાળુ મોસમમાં મગનું વાવેતર એટલું નોંધપાત્ર નથી રહ્યું જેને કારણે ભાવ પર ઘટાડા તરફી દબાણ આવી શકે એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
વિશ્વમાં ભારત કઠોળનો મોટો ઉત્પાદક દેશ છે પરંતુ અહીં ઉત્પાદન કરતા વપરાશ વધુ હોવાથી કઠોળની આયાત કરવાની પણ સરકારને ફરજ પડે છે. ૨૦૨૨-૨૩ન ક્રોપ યરમાં કઠોળનું ઉત્પાદન ૨.૬૦ કરોડ ટન રહ્યું હતું જ્યારે વાર્ષિક વપરાશ ૨.૮૦ કરોડ ટન જેટલો રહે છે.