લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર કાર્યવાહી કરતા સૌને ચોંકાવી દીધા છે. માયાવતીએ આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક પદેથી હટાવી દીધા છે. હવે માયાવતીની આ કાર્યવાહીબાદ ભત્રીજા આકાશ આનંદની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. આકાશ આનંદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માયાવતીને ટેગ કરતા લખ્યું કે, આપકા હુકમ સર આંખો પર. માયાવતીએ મંગળવારે રાત્રે આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને તેમના ઉત્તરાધિકારી પદ પરથી પણ હટાવી દીધા હતા.
અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ
આકાશ આનંદે માયાવતીને ટેગ કરતા X પર લખ્યું, ‘આદરણીય બહેન માયાવતી, તમે સંપૂર્ણ બહુજન સમાજ માટે એક આદર્શ છો. કરોડો દેશવાસીઓ તમારી પૂજા કરે છે. તમારા સંઘર્ષને કારણે જ આજે આપણા સમાજને એક એવી રાજકીય તાકાત મળી છે જેના કારણે બહુજન સમાજ સન્માન સાથે જીવતા શીખી શક્યો છે. તમે અમારા સર્વમાન્ય નેતા છો. આપકા હુકમ સર આંખો પર. ભીમ મિશન અને આપણા સમાજ માટે હું અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ. જય ભીમ, જય ભારત.’
બસપા પ્રમુખ માયાવતીએ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા અને હવે તેમને હટાવી દેવાનો આ ચોંકાવનારો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ મંગળવારે રાત્રે માયાવતીએ આકાશ આનંદને પોતાના ‘ઉત્તરાધિકારી’ અને BSP સંયોજકની જવાબદારીઓમાંથી મુક્ત કરીને બધાને ચોંકાવી દીધા હતા. લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીએ તેમનો આ ચોંકાવનારો નિર્ણય લેતા કહ્યું કે, પાર્ટી અને આંદોલનના હિતમાં અને આકાશ આનંદ જ્યાં સુધી સંપૂર્ણ પરિપક્વતા સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
માયાવતીએ ‘ઉત્તરાધિકારી’ ગણાતા ભત્રીજાને જ પદ પરથી હટાવ્યા
BSP પ્રમુખે મંગળવારે રાત્રે ‘X’ પર પોસ્ટ કરેવામાં આવેલા પોતાના એક સંદેશમાં કહ્યું કે, બસપા એક પાર્ટીની સાથે જ પણ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરના આત્મ-સમ્માન, સ્વાભિમાન તથા સામાજિક પરિવર્તનનું પણ આંદોલન છે, જેના માટે કાંશીરામજી અને મેં પોતે પણ મારું આખું જીવન સમર્પિત કરી દીધુ છે અને તેને ગતિ આપવા માટે નવી પેઢી પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં પાર્ટીમાં અન્ય લોકોને આગળ વધારવાની સાથે જ આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા પરંતુ પાર્ટી અને આંદોલનના વ્યાપક હિતમાં તેઓ સંપૂર્ણ પરિપક્વતા સુધી પહોંચે ત્યાં સુધી તેમને આ બે મહત્વપૂર્ણ જવાબદારીઓથી અલગ કરવામાં આવી રહ્યા છે.