અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ દાખલ કરાઇ
લુણાવાડા : મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના મારુવાડા ગામે અજાણ્યા વાહનની અડફેટે મોટરસાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના બેણદા ગામે રહેતા કોયાભાઈ ભલાભાઈ વાઘેલા કડાણા જી.ઈ.બી.માં લાઈનમેન તરીકે નોકરી કરતા હતા. તા.૬/૫/૨૪ ના રોજ તેમની મોટરસાયકલ લઈ કડાણા નોકરી ઉપર આવેલા હતા.તે બાદ તેમના છોકરા માનસિંગભાઈ કોયાભાઈ વાઘેલાને તેમના કાકાના છોકરા પ્રકાશભાઈ લાલસીંગભાઈ વાઘેલાએ ફોન કરીને જણાવ્યું હતું કે તેમના મામાએ તેમને ફોન કરી જણાવ્યું હતું કે કોયાભાઈ કડાણાથી છૂટીને ઘરે આવતા હતા.
તે વખતે મારુવાડા પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી એક્સિડન્ટ કર્યું હતું.સંતરામપુર સરકારી દવાખાને લાવેલા છે.તેવી વાત કરતા માનસિંગભાઈ, તેમની માતા રેવાબેન અને તેમના કાકાનો છોકરો પંકજ સંતરામપુર દવાખાને જઈ જોતા કોયાભાઈને માથામાં કપાળના ભાગે વાગેલ હતું અને ડોકટરે વધુ સારવાર માટે ગોધરા લઇ જવા જણાવતા ગોધરા સારવાર કરાવી ડોકટરે વડોદરા લઇ જવા જણાવતા વડોદરા જતા વડોદરા નજીક મોત થયું હતું.આ બનાવની માનસિંગભાઈ કોયાભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવતા કડાણા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.