રામોલ, દાણીલીમડા, લાંભા, ભાઈપુરા, ઈન્દ્રપુરી ઉપરાંત વસ્ત્રાલ, જમાલપુર, ખોખરા, સરખેજ, વટવા,અમરાઈવાડી વોર્ડમાં કોલેરાના કુલ ૨૪ કેસ નોંધાયા
અમદાવાદનુ મહત્તમ તાપમાન ૪૫ ડીગ્રી સેલ્સિયસ ઉપર પહોંચ્યુ છે.મે મહિનાના આરંભથી શહેરીજનો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહયા છે.૧૮ દિવસમાં ઝાડા ઉલટીના ૧૦૭૮ તથા ટાઈફોઈડના ૩૦૦ કેસ નોંધાયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરુ પાડવામાં આવતા પાણીના ૮૬ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.રામોલ-હાથીજણ ઉપરાંત દાણીલીમડા, લાંભા,ભાઈપુરા, ઈન્દ્રપુરી તેમજ વસ્ત્રાલ,જમાલપુર, ખોખરા,સરખેજ, વટવા તથા અમરાઈવાડી વોર્ડમાં આ મહિનામાં કોલેરાના કુલ ૨૪ કેસ નોંધાયા છે.
શહેરના મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહયો છે.આજથી પાંચ દિવસમાટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. ગરમી વધવાના કારણે પાણીજન્ય રોગના કેસની સંખ્યામાં પણ વધારો થયો છે.ઝાડા ઉલટીની સાથે કમળાના ૧૦૭ કેસ નોંધાયા છે. કોલેરાના વધતા કેસ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ માટે પણ ચિંતાનો વિષય બન્યા છે.મે મહિનાનાઆરંભે અમદાવાદ પૂર્વના વોર્ડ વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા હતા. મહિનાના ત્રીજા સપ્તાહમાં મધ્યઝોનમાં આવેલા જમાલપુર તથા દક્ષિણઝોનમાં આવેલા ખોખરા તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા સરખેજ વોર્ડમાં પણ કોલેરાના કેસ નોંધાયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરા પાડવામા આવતા પાણીમાં કલોરીનનુ પ્રમાણ છે કે કેમ?
એ બાબતની ચકાસણી કરવા માટે મે મહિનામાં સમગ્ર શહેરમાંથી કુલ ૧૦૧૮૯ પાણીના સેમ્પલ રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.આ પૈકી ૪૪૬ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે કુલ મળીને ૨૯૫૬ સેમ્પલ પાણીના લેવામાં આવ્યા હતા. આ પૈકી પાણીના ૮૬ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના ૪૪ તથા મેલેરિયાના ૨૬ કેસ નોંધાયા હતા.શહેરના સાત ઝોનમાં સીઝનલફલુના ૮ કેસ નોંધાયા હતા.જાન્યુઆરી-૨૪થી મે-૨૪ સુધીમાં સીઝનલ ફલુના કુલ ૫૧૪ કેસ નોંધાયા હતા.