ઈઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલા બાદ હમાસ સાથે ઈઝરાયેલનુ યુધ્ધ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યુ.આ યુધ્ધના કારણે વડોદરાના ઉદ્યોગોની મુશ્કેલીઓ વધારી દીધી છે.યુધ્ધના કારણે અમેરિકા અને યુરોપ સુધી કન્ટેનરોની હેરફેર કરવાના ચાર્જમાં શિપિંગ કંપનીઓએ ૩૦૦ થી ૫૦૦ ટકા સુધીનો વધારો કરી દીધો છે.જેના કારણે આયાત-નિકાસ કરતા ઉદ્યોગોને નાણાકીય ફટકો પડી રહ્યો છે અને પ્રોડકટસ કે રો મટિરિયલની હેર ફેરના સમયને લઈને પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી ઉદ્યોગો મુખ્યત્વે ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટસ, કેમિકલ અને દવાઓ અને એન્જિનિયરિંગ મશિનરીની યુરોપ, અમેરિકા તેમજ આફ્રિકાના દેશોમાં નિકાસ કરે છે.
ઉદ્યોગો સાથે સંકળાયેલા સૂત્રોનુ કહેવુ છે કે, આ ત્રણે રુટ પર અત્યાર સુધી મોકલવામાં આવતા કન્ટેનરો માલવાહક જહાજોમાં રાતા સમુદ્ર થકી સુએઝ કેનાલમાં પસાર થઈને જતા હતા પરંતુ ઈઝરાયેલના વિરોધમાં અને હમાસના સમર્થનમાં ઈરાન સમર્થિક હૂથી જૂથે માલવાહક જહાજો પર હુમલા શરુ કરી દીધા હોવાથી આ રુટ પર મોટાભાગની શિપિંગ કંપનીઓએ હેરફેર બંધ કરી દીધી છે.તેની જગ્યાએ જહાજો અન્ય રુટ પર સાઉથ આફ્રિકાના કેપ ઓફ ગૂડ હોપનુ ચકકર મારીને જવા માંડયા છે.આ રુટ લાંબો છે અને તેના કારણે શિપિંગ કંપનીઓએ કન્ટેનરોની હેરફેરના ભાવ વધારી દીધા છે.
વડોદરાની એક્ઝિમ ક્લબના પૂર્વ પ્રમુખ રાજન નાયરના જણાવ્યા અનુસાર, યુરોપના રુટ પર કન્ટેનરો મોકવાના ભાડામાં પાંચ થી ૬ ગણો વધારો થયો છે.અમેરિકા સુધી કન્ટેનરો પહોંચાડવાના ભાડામાં ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે તો આફ્રિકાના દેશોમાં કન્ટેનરોની હેરફેર માટે અગાઉ કરતા ત્રણ થી ચાર ગણો ચાર્જ શિપિંગ કંપનીઓ કરી રહી છે.તેની સાથે સાથે કન્ટેનરોની ડિલિવરી અગાઉ કરતા ૧૦ થી ૧૫ દિવસ મોડી થઈ રહી છે તે અલગ.શિપિંગ રુટ પર આ જ સ્થિતિ રહી તો આયાત નિકાસ પર આગામી સમયમાં અસર જોવા મળશે અને ખાસ કરીને આયાતમાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો થઈ શકે છે.તેમનુ કહેવુ છે કે, સદનસીબે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની અથડામણ મોટા જંગમાં ફેરવાતી રહી ગઈ છે.નહીંતર માલ સામાનની હેરફેર હજી પણ મોંઘી થઈ શકી હોત
એર કાર્ગોમાં માલ મોકલવા ધસારો
હાલમાં કન્ટેનરોના શિપિંગ ચાર્જમાં વધારા બાદ ઘણા ઉદ્યોગો એર કાર્ગો તરફ પણ વળ્યા છે.જેના કારણે એર કાર્ગોના ભાડામાં પણ બે થી ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે અને તેમાં પ્રોડકટસ મોકલવા માટે વેઈટિંગની સ્થિતિ છે.મળતા આંકડા પ્રમાણે યુરોપમાં એર કાર્ગોમાં મોકલાતી પ્રોડકટસનો પહેલા પ્રતિ કિલો ૨૦૦ રુપિયા ચાર્જ હતો.જે આજે વધીને ૪૦૦ થી ૪૫૦ રુપિયા સુધી થઈ ગયો છે.એ જ રીતે નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકાના દેશોમાં એર કાર્ગો મોકલવાનો ચાર્જ ૧૦૦૦ કિલો કરતા વધારે વજન હોય તો પ્રતિ કિલો ૫૦૦ થી ૬૦૦ રુપિયા સુધી થઈ ગયો છે.જે પહેલા ૨૫૦ રુપિયાના આસપાસ હતો.
બેની જગ્યાએ ચાર સપ્તાહે કન્ટેનર પહોંચે છે
બે સપ્તાહની જગ્યાએ હવે ચાર સપ્તાહે અમારી પ્રોડકટસ પહોંચે છે.જોકે ગ્લોબલ ક્રાઈસીસ હોવાથી બધા સ્થિતિને સમજે છે અને તેથી જ ઓર્ડર ઘટે તેમ લાગતુ નથી પણ ટ્રાન્સર્પોર્ટેશન કોસ્ટ વધી રહી છે.કન્ટેનર મધ દરિયે હોય અને તેને મોકલવાનુ ભાડુ વધી જાય તેવુ પણ બને છે.
શિપિંગ રુટ પર કન્ટેનર ચાર્જ(ડોલરમાં)
–અમેરિકામાં પહેલા ૧૨૦૦ થી ૧૩૦૦ ડોલર પર કન્ટેનરની જગ્યાએ ૩૮૦૦ થી ૪૦૦૦ ડોલર
–યુરોપમાં અગાઉ ૪૫૦ થી ૫૦૦ ડોલર ચાર્જ હતો તે હવે ૨૮૦૦ થી ૩૦૦૦ ડોલર
–આફ્રિકન દેશોમાં ૬૦૦ થી ૮૦૦ ડોલર ચાર્જ હતો તે હવે ૨૮૦૦ થી ૩૦૦૦ ડોલર
–ગલ્ફના દેશોમાં પહેલા ૧૫૦ ડોલરની આસપાસનો ચાર્જ હવે ૩૦૦ થી ૩૫૦ ડોલર
રો મટિરિયલ ઈમ્પોર્ટની પણ સમસ્યા
રો મટિરિયલના ઈમ્પોર્ટમાં પણ તકલીફ છે અને તેના કારણે ઉત્પાદન પ્રોડક્શનમાં વિલંબ થાય તેવુ પણ બને છે અને તેની સીધી અસર એકસપોર્ટ પર પડતી હોય છે.વહેલા મોડા આ સ્થિતિ સુધરશે તેવી આશા રાખી રહયા છે.
ભરત પટેલ, કેમિકલ ઈન્ડસ્ટ્રી એર કાર્ગોમાં વેઈટિંગ જેવી સ્થિતિ
દવા જેવી પ્રોડકટસ વધારે પૈસા ખર્ચીને એર કાર્ગોમાં મોકલવાનો વારો આવ્યો છે.જેના કારણે એર કાર્ગો કંપનીઓએ પણ ભાવ વધારી દીધા છે.આમ છતા પ્રોડકટસ મોકલવા માટે વેઈટિંગ લિસ્ટ જેવી સ્થિતિ છે.ઘણી વખત તો ૧૦ થી ૧૨ દિવસ સુધી રાહ જોવી પડે છે.