પોલીસે પીછો કરતા ડ્રાઈવર કાર મૂકીને નાસી ગયો, કુલ 4.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
બાકોર : મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર પોલીસ મથકની હદના નારોડા – ખુંટેલાવ ચાર રસ્તા પાસેથી પોલીસે ગઈકાલે રાત્રે એક કારમાં લઈ જવાતો વિદેશી દારૂ અન બીયરનો જથ્થો ઝડપી પાડયો હતો. જ્યારે કારનો ચાલક કાર મૂકીને નાસી ગયો હતો.
રાજસ્થાનથી બે ક્રેટા કાર વિદેશી દારૂનો જથ્થો લઈને શામળાજી, મોડાસા, લુણાવાડા થઈને વડોદરા તરફ જવાની હોવાની બાતમીના આધારે બાકોર પોલીસનો સ્ટાફ ગઈકાલે રાત્રે નારોડા – ખુંટેલાવ ચાર રસ્તા પાસે વોચમાં ઊભા હતાં.
દરમિયાન બાતમીવાળી કાર આવતી જણાતા તેને ઊભા રહેવાનો ઈશારો કરતાં બંને કારના ચાલકોએ કારને રિવર્સમાં લઈને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે કારનો પીછો કરતાં એક કારનો ચાલક રોડની સાઈડમાં કાર ઊભી કરીને અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. પોલીસે કારને જપ્ત કરી પોલીસ મથકે લાવી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.૯૬,૦૦૦નો વિદેશી દારૂ અને ૬૩,૦૦૦નો બીયરનો જથ્થો મળી કુલ રૂ.૧,૫૯,૦૦૦નો જથ્થો તેમજ કાર મળી કુલ રૂ.૪,૫૯,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, તેમજ કારના નંબરના આધારે તેના માલિકોની શોધખોળ હાથ ધરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.